ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચેના આદાન-પ્રદાનને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાનો પ્રયાસ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આગામી 28 જાન્યુઆરીના રોજ ગિફટસિટીમાં ફિલ્મફેર એવોર્ડ 2024 ફંક્શન યોજાશે. બોલિવૂડના ખ્યાતનામ કલાકારોનો ગુજરાતના ગિફટ સિટીમાં થશે. અગાઉ ફિલ્મફેર એવોર્ડનું આયોજન મહાત્મા મંદિરમાં થવાનું હતું પરંતુ હવે દારૂબંધીમાંથી મુક્તિ આપ્યા બાદ એવોર્ડનું આયોજન ગિફટ સિટી ખાતે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચેના આદાનપ્રદાનને વધુ સૃદઢ અને સરળ બનાવવાની સાથે ફિલ્મઉદ્યોગનું ગુજરાતમાં રોકાણ થાય હેતુસર ફિલ્મફેર એવોર્ડ સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. ગિફટ સિટીમાં આ પ્રકારે ફિલ્મફેર એવોર્ડના આયોજનથી સમગ્ર દેશ-દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ કર્યો છે. ગિફટ સિટીમાં બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ બુક કરાવ્યું છે. હજુ મોટાભાગના ફિલ્મ કલાકારો પણ ગિફટ સિટીમાં રોકાણ કરવામાં રસ દાખવે છે.
ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડના આયોજન માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ-વ્યાપાર માટે દેશ-વિદેશના રોકાણકારો માટે ‘બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ’બનેલું ગુજરાત હવે ‘બેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ’માટે પણ માનીતું ડેસ્ટિનેશન બનશે. તેમજ ગુજરાતની ‘મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ’તરીકેની છાપ મજબૂત થશે.
મુખ્યમંત્રીએ ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવાની રાજય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું કે, ગુજરાત પોતાની વિરાસતને વિશ્ર્વ સમક્ષ પ્રસ્તુત કરી શકે તે માટે આ સમજૂતી કરાર મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. ફિલ્મફેર એવોર્ડના ઐતિહાસિક આયોજનથી ઇવેન્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટેશન, સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન પણ થશે.