-‘રણ ઉત્સવ’, ટેન્ટ સિટી, યુનેસ્કોએ તાજેતરમાં જ જાહેર કરેલા ગુજરાતના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ સમા ગરબા
ગુજરાત રાજ્યએ તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચિંધી છે. આ ઉપક્રમને બરકરાર રાખતાં ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ‘ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ વિષય આધારિત ઝાંખીનું તા. 26 જાન્યુઆરી, 2024ના રોજ નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે.
- Advertisement -
ધોરડો NWTO: United Nations World Tourism Organization ના Best Tourism Village યાદીમાં તાજેતરમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને ’વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને પ્રોત્સાહન આપે છે.
આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 9 ઝાંખીઓ મળીને કુલ 25 ટેબ્લોનું પ્રદર્શન થનારું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 75-માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરિત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બનીને બેઠું છે, તેનું ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તાજેતરમાં ’યુનેસ્કો’એ ગુજરાતના ગરબાને ’અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં સામેલ કર્યા છે; જે દરેક ગુજરાતી તેમજ ભારતીય માટે ગર્વની વાત છે.