આ લાઇન ફાફડા-જલેબી લેવા માટેની છે !
વર્ષોથી દશેરાના પર્વ પર ફાફડા-જલેબીની જ્યાફત માણવાની આ પરંપરા આજે પણ રાજકોટવાસીઓમાં અવિરતપણે ચાલુ છે, જે તહેવારો પ્રત્યેની તેમની અતુટ શ્રદ્ધા અને સ્વાદ પ્રત્યેના લગાવને દર્શાવે છે. તેમાં પણ સ્વાદપ્રિય રાજકોટવાસીઓએ ફાફડા-જલેબીની જ્યાફત માણવા સવારથી જ લાંબી લાઈનો લગાવી દીધી હતી. શહેરભરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની લાંબી કતારો વહેલી સવારના 5 વાગ્યાથી જ જોવા મળી હતી. એક અંદાજ મુજબ, રાજકોટના લોકો એક જ દિવસમાં 1 કરોડ રૂપિયાથી પણ વધુના ફાફડા અને જલેબી આરોગીને વિજયાદશમીની ઉજવણી કરી હતી. જ્યારે ફરસાણના વેપારીઓ પણ ગ્રાહકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે અગાઉથી જ તૈયારીઓ કરી રહ્યા હતા. ગ્રાહકોનો ધસારો એટલો છે કે વહેલી સવારથી જ દુકાનોમાં રોનક જોવા મળી રહી છે. રાજકોટના ફરસાણના વેપારી ધ્રુવીલ ગોરધનભાઇ લીંબાસીયાએ જણાવ્યુ કે દશેરાના પર્વ નિમિત્તે ફાફડા-જલેબી અને મિઠાઇ તેમજ મીઠા સાટ્ટાનું ધૂમ વેચાણ થઇ રહ્યુ છે. આ વર્ષે ભાવમાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. શુધ્ધ સીંગતેલમાં બનતા ફાફડાના એક કિલોના 540, શુધ્ધ ઘીમાં બનતી કેશરયુક્ત જલેબીના અને મીઠ્ઠા સાટ્ટાના એક કિલોના રૂ.600 ભાવ છે. મોટી સંખ્યામાં લોકો મિઠાઇની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા.



