આપણે અલગ અલગ સુખ કે સમૃદ્ધિની પૂર્તિ માટે અલગ અલગ દેવતાઓને વિનંતી કરીએ છીએ. બળ માટે હનુમાનજી, બુદ્ધિ માટે ગણેશજી, વિદ્યા માટે સરસ્વતી, ધન માટે લક્ષ્મીજી ઉપરાંત ઇન્દ્ર, કુબેર,કાલભૈરવ, બટુકભૈરવ જેવા અનેક અલગ અલગ દેવી દેવતાઓને આપણે આરાધીએ છીએ. ભગવાન મહાદેવ એક એવા ભગવાન છે, જે તમારી તમામ અપેક્ષાઓ પૂર્ણ કરે છે. એ તમને ભુક્તિ પણ આપે છે અને મુક્તિ પણ આપે છે. તમને વિદ્યા પણ આપે છે અને ધન પણ આપે છે.
એટલે જ વિશ્વના સર્વ કાલીન, સર્વ દેશીય, સર્વ ભાષી શ્રેષ્ઠ કવિ એવા મહાકવિ કાલિદાસે જ્યારે તેમનું પ્રથમ મહાકાવ્ય લખવા માટે હાથમાં કલમ ઉપાડી ત્યારે રઘુવંશનો પ્રથમ શ્લોક તેમણે મહાદેવ અને દેવી પાર્વતીની સ્તુતિ માટે લખ્યો હતો. પશ્ચિમના વૈજ્ઞાનિકોએ ટોનોસ્કોપ નામનું એક યંત્ર શોધ્યું છે જેની એક બાજુએ તમે કોઈ શબ્દ બોલો તો બીજી બાજુએ એ શબ્દને અનુરૂપ આકૃતિ રચાઈ જાય. આ મશીનની સામે જ્યારે ૐ નો ઉચ્ચાર કરવામાં આવ્યો ત્યારે બીજી બાજુએ શ્રી યંત્રનો આકાર રચાઈ ગયો. અર્થાત ૐ એ જ શિવ છે અને શિવ એ જ શ્રી યંત્ર છે.



