જૂની સિવિલની જગ્યાએ નવી કોર્ટ બનાવવા ફાળવણી : ઉપયોગી વસ્તુ રાખી અન્ય વસ્તુ ભંગારમાં જશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં જુની સિવિલ હોસ્પિટલનું ભવન ખાલી કરવાનું શરૂ થયું છે. વર્ષોથી બંધ હોસ્પિટલનો સામાન ભંગારમાં ફેરવાઇ ગયો છે. 100 થી વધુ બેડ ખુરશી, સ્ટ્રેચરની હાલત ભંગાર જેવી થઇ ગઇ છે. તેમજ તંત્રને કહ્યું છે કે, ઉપયોગી વસ્તુ રાખી અન્ય વસ્તુ ભંગારમાં આપી દેવામાં આવશે. જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે નવી હોસ્પિટલ બનાવવામાં આવી છે. નવી હોસ્પિટલ કાર્યરત થતા જૂની સિવિલ હોસ્પિટલ બંધ પડી હતી. આ જગ્યામાં નવી કોર્ટ બનવવા માંગ થઇ હતી. બાદ જુની સિવિલ હોસ્પિટલની જગ્યા કોર્ટ બિલ્ડીંગ માટે ફાળવવામાં આવી હતી. પરંતુ અહી અસામાજીક પ્રવૃતિઓ થવા લાગી હતી. તેમજ અનેક વસ્તુઓની ચોરી થયાની ફરયાદો ઉઠી હતી. તાજેતરમાં જૂની સિવિલ હોસ્પિટલની જગ્યાએ પોલીસ બંદોબસ્ત મુકયો હતો. જુની સિવિલની જગ્યા કોર્ટ માટે ફાળવી હોય સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હોસ્પિટલ ખાલી કરવાની શરૂઆત કરવામાં આવી છે. આજે સવારથી જુની હોસ્પિટલનો સામાન બહાર કાઢવામાં આવી રહ્યો છે. જુની સિવિલમાંથી બેડ, ખુરશી, સ્ટ્રેચર, ટેબલ સહિતનો સામાન બહાર કાઢવામાં આવી રહ્યો છે.અંદાજે 100 જેટલા બેડ છેે. જોકે જુની સિવિલનો મોટા ભાગનો સામાન ભંગારમાં ફેરવાઇ ગયો છે.સિવિલ તંત્ર દ્રારા સમયસર યોગ્ય નિર્ણય ન કરવાનાં કારણે મોટાભાગનો સામાન બીનઉપયોગી બન્યો છે. સિવિલ તંત્ર દ્વારા હોસ્પિટલ ખાલી કરી કોર્ટને સોંપી દેવામાં આવશે. હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું, કે, સારી અને ઉપયોગી વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે. બાકી અન્ય વસ્તુઓ ભંગારમાં જવા દેવામાં આવશે. કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલ બંધ પડી હતી. 100 બેડની હોસ્પિટલનો કોવિડમાં ઉપયોગ કરવાની માંગ ઉઠી હતી. પરતું તંત્રની ઢીલીનીતીનાં કારણે કોવિડમાં જૂની સિવિલ હોસ્પિટલનો ઉપયોગ થઇ શક્યો નહી.
- Advertisement -
કેટલી વસ્તુ ચોરાઇ તે બહાર આવશે?
જુની સિવિલ હોસ્પિટલ બંધ થતા અનેક વસ્તુની ચોરી થયાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે તંત્રની કેટલી વસ્તુ ચોરાઇ તેની વિગતો બહાર આવશે કે નહી તે જોવાનું રહ્યું.
નવી સિવિલમાં સ્ટ્રેચરનો પ્રશ્ર્ન, અહીં બગડી ગયાં!
નવી સિવિલ હોસ્પિટલમાં અનેક વખત દર્દીને સ્ટ્રેચર મળતાં નથી. જ્યારે જૂની સિવિલમાં સ્ટ્રેચરની હાલત ખરાબ થઇ ગઇ છે. સમયસર ઉપયોગની વસ્તુ બહાર કાઢી લીધી હોત તો લાખોનો સામાન ઉપયોગમાં આવી શકયો હતો.
ભંગારનો ટેન્ડર બહાર પાડવામાં આવશે
સિવિલ હોસ્પિટલનાં ડો.પાલાએ જણાવ્યુ હતું કે, બિલ્ડીંગ કોર્ટને સોંપવાનું હોય ખાલી કરવામાં આવી રહ્યું છે.સારી અને ઉપયોગી વસ્તુઓ વપરાશમાં લેવામાં આવશે.અન્ય વસ્તુઓનું ટેન્ડર કરી ભંગારમાં આપવામાં આવશે. જેતે સમયનાં સિવિલ સર્જનની ઢીલીનિતીનાં કારણે વસ્તુઓ કાઢવમાં મોડું થયું છે.