સૂસવાટા મારતા પવનો વાળી ઠંડી ભારત પર ફરી વળી છે. આટલી ઠંડી હોવા છતાં ઉત્તર ગોળાર્ધમાં રહેલા બીજા દેશો કરતાં ભારત રહેવા જેવો દેશ ગણાય છે કેમકે ઉત્તરના દેશોમાં તો ભયાનક ઠંડી હોય છે , એટલી ઠંડી કે એમાં સામાન્ય જીવન ચલાવવું અશક્ય થઈ જાય. આથી યાયાવર પંખીડાઓ ભારત ભરનાં જળાશયોમાં ટહેલતા આ ઠંડીમાં જોવા મળે છે. કેમકે ભારત પ્રમાણમાં સમશીતોષ્ણ દેશ છે. હજી પણ દિવસો ટૂંકા અને રાતો લાંબી છે જે લગભગ માર્ચ મહિનાના મધ્ય સુધી રહેશે. આથી ઊંઘવાની વૃત્તિ પણ આ સમયમાં વધે છે. સુર્ય વહેલા અસ્ત થઈ જાય એટલે મન સુસ્ત લાગવા માંડે અને જલ્દી રજાઈ માં ઘૂસીને ઘોન્ટાઈ જવાનું મન થાય.
આ એકદમ નેચરલ વૃત્તિ છે. આવું થવું સહજ સામાન્ય છે કેમકે આપણી નિંદ્રાની વૃત્તિ સુર્ય ઉપર આધારિત છે. સુર્ય ઉદય થાય એટલે આપણા શરીરને નિષ્ક્રિય કરતા હોર્મોન બનવાના બંધ થઈ જાય છે. જમણા નસકોરા થી શ્વાસ ચાલુ થઈ જાય છે અને શરીર ચેતનવંતુ બને છે. જ્યારે સાંજ પડે, સુર્ય અસ્ત થાય ત્યારે શરીરને નિષ્ક્રિય બનાવતો હોર્મોન એવો મેલાટોનિન બનવા લાગે છે અને શરીર સુસ્તી અનુભવે છે, થાક અનુભવે છે, એને ઊંઘ આવે છે.
પણ આ હજારો વરસોથી ચાલતી નોર્મલ ક્રિયા હતી. પ્રાણીઓ હજી પણ આ ક્રિયાને ફોલો કરે છે. નિશાચર પ્રાણીઓને શિકાર રાત્રે કરવો સરળ પડે એટલે તેઓ રાત્રે જાગે છે અને દિવસે નિંદ્રા કરે છે પરંતુ એ સિવાય મનુષ્ય સહિતના પ્રાણી પંખી રાત્રે સૂઈ જાય છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ભયાનક સ્પીડથી થયેલા વિકાસે માણસજાતને અનેક કલચરલ શોક આપી દીધા છે. એમાંથી એક એ પણ છે કે સરેરાશ માણસ આજે સાંજ પડ્યે ઊંઘરેટું અનુભવતો નથી. સાંજની તો વાત છોડો, રાત્રે પણ ઊંઘવામાં કેટલાય લોકોને મથામણ કરવી પડે છે. અમુક શહેરોમાં નાઈટ લાઈફને નામે આખી રાત ચાલુ રહેતા વિસ્તારો હોય છે જેમાં આવા “જાગૃત” લોકો રાત્રે રખડતા ટહેલતા જોવા મળી જાય છે.
વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે છેલ્લા કેટલાક સમયથી આપણી દિનચર્યા ખોરવાઈ ગઈ છે તે વાસ્તવિકતા છે. જેના બાપ દાદા સાંજે સાતેક વાગે વાળું (ડિનર) કરીને આઠ વાગ્યા સુધીમાં તો સૂઈ જતા એમની ત્રીજી પેઢી બાર વાગ્યે પણ સૂઈ શકતી નથી. એમને બાર વાગ્યે પરોઢ ઊઘડ્યું હોય એમ ટીવી કે સોશિયલ મીડિયા કે વાંચન લેખન કરવાની તલબ લાગે છે, ઘણા વળી ગયા જન્મમાં છપ્પનીયો દુકાળ જોઈ ગયા હોય એમ રાત્રે ખોરાકની શોધમાં નીકળી પડે છે.
કૃત્રિમ લાઈટિંગ , સતત સુર્ય પ્રકાશની ગેરહાજરીમાં જીવવું, અને મોબાઈલ ટીવીના અતિરેકને લીધે સર્કાર્ડિયન રિધમ કહેવાતી માણસની બાયોલોજીકલ કલોક ખોરવાઈ ગઈ છે.
સતત મોબાઈલ અને ટીવી સામે બેસતા માણસની આંખો અંધારું જોતી જ નથી એટલે એને મેલાટોનિન નામનો ઊંઘ પ્રેરક હોર્મોન ઝરતો નથી અને એટલે નીંદર આવતી નથી !! નિષ્ણાતો હમેશા સાંજ પછી મોબાઈલ ટીવીના સેવનનો નિષેધ સૂચવે છે. એકતા કપૂરની સિરિયલો એ રાત્રના દસ અગિયાર વાગ્યાના સ્લોટને પ્રાઈમ સ્લોટ બનાવ્યો બાકી ખરેખર તો તે ભારતીય કુટુંબોના સુઈ જવાનો સમય હતો !!
આજે ટીવી વગેરેમાં સતત જોવા મળતી કોફી અને અમુક “એનર્જી ડ્રીંક” ની જાહેરાતો પણ આ ઊંઘના અભાવને આભારી છે. સરખી સંતોષ કારક નીંદર થઈ નથી (કેમકે શરીરમાં મેલાટોનિન બન્યો નથી) એટલે દિવસમાં સતત સુસ્તી અનુભવાય છે. સુસ્તી નો તોડ આપવા અમેરિકન કંપનીઓ આતુર છે જે તમને કોફી અને બીજા કેફી દ્રવ્યો વેચે છે. આનાથી શરીર ઉપર વિપરીત અસર પડે છે , શરીર સતત થાક અને એનર્જી લોસ અનુભવે છે. છેવટે “ડોકટર અને હોસ્પિટલો” આપની સેવા માટે આતુર હોય છે.
ઊંઘ વિજ્ઞાનીઓ માટે પણ એક કોયડો રહ્યો છે. તે શું છે એની હજુ પણ વિજ્ઞાનીઓને પાકી જાણ નથી . એમ છતાં તાજેતરમાં ઇઝરાયેલી વિજ્ઞાનીઓએ એક પ્રતિષ્ઠિત જર્નલમાં પેપર પ્રકાશિત કર્યો તે અનુસાર ઊંઘ માણસના મગજનું નહિ પણ મગજ વિકસ્યું એની પહેલાંનું લક્ષણ છે. ઊંઘ આપણા કોષોના ડી એન એ ને થયેલા નુકસાનના ઓટોમેટિક રીપેરીંગ માટે શરીરે ગોઠવેલી વ્યવસ્થા છે.
જો આ વ્યવસ્થાને યોગ્ય રીતે સાચવવામાં આવે નહિ તો શરીર અનેક રોગોનું ભોગ બને છે તે વાસ્તવિકતા છે. શરીરને જીમમાં જઇને ફીટ રાખવા વાળા, એક એક કોળિયો પણ ગણી વિચારીને ખાવા વાળા ઊંઘના અભાવે નાની ઉંમરે મૃત્યુ પામતા જોઈ શકાય છે અને આવા લોકોમાં ડોકટરો પણ શામેલ છે , ફિટનેસ એક્સપર્ટ પણ શામેલ છે!!!!
આ વાત દર્શાવે છે કે આપણે ઊંઘને જેટલું મહત્વ આપવું જોઈએ એટલું આપ્યું નથી. જાપાનમાં અને હવે તો અમેરિકામાં પણ ચાલુ ઓફિસે કર્મચારી એક નાની એવી ઊંઘ ખેંચી શકે એવી મોકળાશ આપવામાં આવી છે જેનાથી ઉત્પાદકતામાં ખાસ્સો વધારો નોંધાયો છે.
સમય આવી ગયો છે કે જે એક સહજ પ્રક્રિયા હતી એને આપણે ફરી સહજ રીતે જ જીવીએ.
ભગવાન બુદ્ધને કોઈએ સ્વસ્થ સુખી જીવનનું રહસ્ય પૂછ્યું. એમણે કહ્યું કે ભૂખ લાગે ત્યારે ખાવું અને ઊંઘ આવે ત્યારે સૂવું. કેટલી સરળ પણ કેટલી ગૂઢ વાત ? વિચારી જુઓ.
નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..



