હળવદના સુંદરીભવાની ગામ નજીક માટીના કાળા કારોબાર પર કોની મીઠી નજર ?
હળવદ પંથકના વિવિધ વિસ્તારોમાં બેફામ ખનીજચોરી થતી હોવાના અહેવાલો અવારનવાર સામે આવતા હોય છે અને આ ખનીજચોરી સરકારી તિજોરીને પણ મોટું નુકસાન પહોંચાડે છે એ તો સૌ કોઈ જાણે જ છે પરંતુ તંત્રએ જાણે કે ખનીજમાફીયાઓને ખનીજચોરી કરવાની પરવાનગી આપી દીધી હોય તેવા દ્રશ્યો આ પંથકમાં જોવા મળે છે. અધિકારીઓ પણ અવારનવાર સ્થળ ચકાસણી કરતા હોય છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી અને ક્યાંકને ક્યાંક અધિકારીઓ પણ આવા ખનીજ માફીયાઓ સામે યોગ્ય કાર્યવાહી નહીં કરીને પરવાનગી આપી દેતા હોય તેવું લાગી રહ્યું છે. હળવદના છેવાડાના સુંદરીભવાની ગામ નજીક આવી ગેરકાનૂની પ્રવૃત્તિ ફુલી ફાલી છે જેમાં સુંદરીભવાની ગામ નજીકના સીમ વિસ્તારમાં ખનીજમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરીને ચોરી કરવામાં આવી રહી છે જેનો વિડીયો પણ હાલમાં સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે જેમાં સફેદ માટીના ખનન કરતાં મોટા હિટાચી મશીન તેમજ સફેદ માટીના ડમ્પરો પણ દેખાઈ રહ્યા છે ત્યારે આવી ગેરકાનૂની પ્રવૃત્તિ પર કોની મીઠી નજર હશે ? તેવી લોકચર્ચાઓ પણ જોર પકડ્યું છે.
- Advertisement -
એક સપ્તાહ પહેલાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સ્થળ ચકાસણી કરી મીર માર્યો?
સુંદરીભવાની ગામ નજીક એક સપ્તાહ પહેલાં જ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડીને સમગ્ર ખનીજ ચોરી અંગે સ્થળ ચકાસણી કરવામાં આવી હતી અને અહીં અધિકારીઓની નજર સામેથી જ માટીના ડમ્પરો ઓવરલોડ ભરેલા નીકળી રહ્યાં હતાં પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી કરીને અહીં થતી ખનીજચોરીમાં અધિકારીઓની મિલિભગત હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી જ !
વૃક્ષોના નિકંદન સામે વન વિભાગ નિંદ્રાધીન?
જાણીને આશ્ર્ચર્ય થશે કે, જ્યાં ગેરકાયદેસર રીતે માટીનું ખનન થઈ રહ્યું છે તે જમીનની બાજુનો વિસ્તાર વન વિભાગ દ્વારા કોર્ડન કરવામાં આવ્યો છે અને ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચે તે રીતે ખનન થઈ રહ્યું છે. બીજી તરફ રામપર વીડી તરીકે ઓળખાતા જંગલ વિસ્તારમાંથી પસાર થતાં ઓવરલોડ ડમ્પરોને કારણે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે સુંદરીભવાની અને રામપર વીડી જંગલ વિસ્તારમાં સરેઆમ વૃક્ષોના નિકંદન માટે જવાબદાર કોણ?
- Advertisement -
હળવદના સુંદરીભવાની ગામ નજીક ગેરકાયદે ધમધમી રહેલાં માટીના કાળા કારોબારનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…