વિશેષ કંટ્રોલરૂમમાંથી મનપા કમિશનર તુષાર સુમેરા, નાયબ કમિશનર અને પોલીસ કમિશનર સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરતા રહ્યા. મ્યુ.કમિશનર તુષાર સુમેરા જંગલેશ્ર્વર વિસ્તારની મુલાકાત લીધી, ડિમોલિશનની કામગીરીની સમીક્ષા કરી અને અધિકારીઓને કામ વધુ ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચના આપી.
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જંગલેશ્ર્વરમાં આજ સવારથી શરૂ થયેલા મેગા ડિમોલીશન ઓપરેશનમાં સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્ર્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1026 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકીટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
મેગા ડિમોલિશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં 1130થી વધુ સ્ટાફ તહેનાત છે અને શહેરના તમામ આઈ.એ.એસ. તથા આઇ.પી.એસ. અધિકારીઓ આ કાર્યવાહી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. જુદી-જુદી 7 ટીમની અધ્યક્ષતા ચારેય સિટી ઇજનેરોને સોંપવામાં આવી છે, જેમની આગેવાનીમાં બુલડોઝર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.



