રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે 2000ની સાલમાં કરી બતાવ્યું હતું
નેતાઓની નબળી નેતાગીરીથી તળાવનું કામ પૂર્ણ થશે?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરનું 2000ની સાલમાં 80 દિવસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મહેનત અને પુરુષાર્થ થકી તળાવનું કામ કરી બતાવ્યુ હતુ. તેમાં પણ લોકફાળો અને લોકોને સાથે જોડીને નરસિંહ મહેતા તળાવનું કામ પૂર્ણ કર્યુ હતુ. જેનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ હસ્તે 10 જુન 2000ના રોજ કરવામાં આવ્યુ હતુ. 12 એપ્રિલ રામ-નવમીના શુભ દીને સવારે તળાવની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સ્વયંસેવકોએ 25 હજાર ટ્રેકટર માટી બહાર કાઢી હતી. એટલે આશરે 60 હજાર ઘન મિટર માટી કામ કર્યુ હતુ. 15 વિઘામાંથી લીલી જળકુંભી વેલ અને 25 વિઘામાંથી સુકી વેલનો નિકાલ કર્યો હતો. તેમજ કઠ્ઠણ પથ્થરો તોડવા માટે બ્લાસ્ટીંગ કર્યુ હતુ. આ રીતે સરોવરમાં 21 કરોડ લીટર પાણી (7 એમ.સી.એફ.ટી) સંગ્રહ થતુ હતુ અને વધારાનું 12 કરોડ લીટર પાણી કુલ સંગ્રહ શક્તિ 33 કરોડ લીટર (11 એમ.સી.એફ.ટી) થઇ હતી. આ રીતે શહેરનાં અનેક સામાજીક સંસ્થા, આગેવાનો, સાધુ સંતો, સંઘના કામથી પ્રેરાઇને આપ મેળે તળાવની કામગીરીમાં જોડાયા હતા અને સંઘે જે સંકલ્પ લીધો હતો તે પૂર્ણ કરી નરસિંહ મહેતા સરોવરનું નામ આપી લોકોને અર્પણ કર્યુ હતુ. તે વાતને આજે 22 વર્ષ વિતવા છતાં સરોવરમાં એક ઇંટ પણ મુકાઇ નથી. ત્યારે 22 વર્ષ પહેલા જૂનાગઢવાસીઓને પાણીની ચિંતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કરી હતી અને ભૂગર્ભ તળ ઉંચા આવ્યા જેના કારણે તળાવની આસપાસના હજારો પરિવારોને પીવાના પાણીની સમસ્યા મહદઅંશે હલ થઇ છે.
આજે જયારે 22 વર્ષે રાજયસરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી ત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમાં પણ પાણી કાઢવુ કે ન કાઢવુ સહિતના અનેક મુદ્દે વાદ-વિવાદ જોવા મળી રહ્યો છે. 22 વર્ષ સુધી નેતાઓએ અનેકવાર નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશન માટે અનેક ડિઝાઇનો સાથે ટેન્ડરો બહાર પાડીને કામ ટલ્લે ચડયું હતુ. હવે આખરે તળાવની કામગીરી શરૂ તો કરી દેવામાં આવી છે. પણ કયારે પૂર્ણ થશે તે હજુ સુધી ખબર નથી. જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જે રીતે તળાવ નિર્માણનો સંકલ્પ કરીને કામગીરી કરી બતાવી એજ રીતે જો આજના નેતાઓ સંકલ્પ કરે તો તળાવનું બ્યુટીફીકેશન એક વર્ષમાં પણ પૂર્ણ થઇ શકે છે. એ સમયે માત્ર 80 દિવસમાં તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કરી બતાવ્યુ હતુ.
બ્યૂટિફિકેશનમાં વાદ-વિવાદ
જૂનાગઢ નરસિંહ મહેતા તળાવની કામગીરી શરૂ થઇ છે ત્યારે સ્થાનિક લોકોમાં કામગીરી મુદ્દે આક્ષેપ પ્રતિઆક્ષેપ જોવા મળી રહ્યા છે. એવા સમયે શહેરનું તળાવ પોતાનુ સમજી જો ખંભે-ખંભા મીલાવી કામ કરવામાં આવે તો તળાવનું કામ વ્હેલી તકે પૂર્ણ થાય તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
- Advertisement -
2000ની સાલમાં 80 દિવસમાં કામ પૂર્ણ થયું હતું
શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરને પોતિકુ સમજીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે માત્ર 80 દિવસમાં ખંભે-ખંભા મિલાવીને તળાવનું કામ પૂર્ણ કરીને લોકોને અર્પણ કર્યુ હતુ. આજે જયારે તળાવનું કામ શરૂ થયુ છે. ત્યારે પણ લોકો દ્વારા આંગળી ચિંધાઇ રહી છે. તેવા સમયે સંઘ પાસેથી કંઇક શીખવાની જરૂર છે.