દિવાળી અને વર્લ્ડ કપની ફાઇનલને લઇને ડોમેસ્ટિક, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ભાવમાં 4-5 ગણો વધારો
લોકો હવે વાયા વાયા જવાનું પસંદ કરે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નવેમ્બર મહિનો ગુજરાતીઓ માટે ડબલ ખુશી લઇને આવ્યો છે. હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી અને 19 નવેમ્બરે વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઇને લોકોનો ઉત્સાહ બેવડાયો છે. એક તરફ દિવાળીમાં ગુજરાતીઓ દેશ સહિત દુનિયાભરમાં ફરવા જશે તો વર્લ્ડ કપની મેચ હોવાથી દુનિયાભરના ક્રિકેટ રસિકો ગુજરાતના મહેમાન બનશે. આ સ્થિતિમાં એક જગ્યાએ ભારે ધસારો જોવા મળશે અને તે છે અમદાવાદ એરપોર્ટ. અને આ જ કારણે હવે ફ્લાઇટના ભાડા પણ આસમાને પહોંચ્યા છે. ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડામાં 5 ગણા સુધીનો વધારો થયો છે જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાડામાં 4 ગણા સુધીનો વધારો જોવા મળ્યો છે. જ્યારે બેંગકોકની ફ્લાઇટ તો અત્યારથી જ હાઉસફુલ છે. દર વર્ષે દિવાળીના તહેવારમાં લોકો બહાર જતા હોવાથી ફ્લાઈટના ભાડા આસમાને પહોંચ્યા છે. સામાન્ય દિવસમાં જે ભાવ હોય તે ભાવ કરતા દિવાળીના દિવસોમાં ભાવ 4થી 5 ગણો વધ્યો છે. સીધી જતી ફલાઇટના ભાડામાં વધારો હોવાથી લોકો વાયા વાયા જવાનું પણ પસંદ કરી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ વર્લ્ડ કપની ફાઇનલ મેચના દિવસે તથા અગાઉના દિવસોમાં પણ જોવા મળી છે.
ડ્રીમ હોલિડેઝના માલિક રાજા અગ્રવાલે જણાવ્યું હતું કે તહેવારમાં દર વર્ષે ટિકિટના ભાવ વધતા જ હોય છે. પરંતુ આ વર્ષે 4 ગણા સુધીનો વધારો થયો છે. આ ઉપરાંત મેચના કારણે પણ બહારથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં વધારો જોવા મળ્યો છે. કેટલીક ફ્લાઇટ તો હાઉસફુલ પણ છે. લોકો હવે વાયા વાયા જવાનું પસંદ કરે છે કારણકે સીધી આવતી જતી ફ્લાઈટના ભાવ વધારે હોય છે.
દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો ગુજરાત આવશે
દિવાળીના તહેવારમાં ઈન્ટરનેશનલ ટુરમાં લોકો દુબઈ, સિંગાપોર, લંડન, દોહા, બેંગકોક, સાઉદી અરેબિયા સહિતની જગ્યાએ ફરવાનું વધારે પસંદ કરતા હોય છે. જ્યારે ભારતમાં દિલ્હી, મુંબઈ, ગોવા, કોચી, ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર, અમૃતસર, દેહરાદૂન સહિતના સ્થળોએ જવાનું લોકો વધારે પસંદ કરે છે. મેચ માટે પણ દુનિયાભરમાંથી લોકો આવશે ત્યારે દુબઈ, સિંગાપુર, કેનેડા, લંડન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાંથી વધુ સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. જ્યારે ભારતમાંથી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલોર, ચેન્નાઇ સહિતના રાજ્યોમાંથી વધુ લોકો મેચ જોવા આવે તેવી શક્યતા છે.