ખાસ-ખબર ન્યૂઝ ન્યૂયોર્ક, તા.15
ચિપ ઉત્પાદક એનવિડીયા 4 લાખ કરોડ ડોલરનુ બજારમૂલ્ય નોંધાવનારી વિશ્ર્વની પ્રથમ કંપની બની છે. સળંગ બે વર્ષ સુધી રોકાણકારોએ આ શેરમાં રોકાણ કરવા પાછળ દર્શાવેલા ગાંડપણના કારણે શેરના ભાવમાં આટલો વધારો નોંધાયો છે. બુધવારે એનવિડીયાનો શેર 2.5 ટકા કે 3.97 ડોલર વધવાના સાથે તેણે ચાર લાખ કરોડ ડોલરમાં પ્રવેશવાનું સન્માન મેળવ્યું હતું. એનવિડીયાના શેરનો ભાવ એક સમયે પાંચ વર્ષ પહેલા ફક્ત 13.02 ડોલર હતો. આ શેરે 2020માં 582 ડોલરની ટોચ નોંધાવ્યા પછી તેનું શેરવિભાજન કરવામાં આવ્યા પછી તેનો ભાવ 13.02 ડોલર થયો હતો. એનવિડીયાનો શેર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં આવેલી તેજીનો પોસ્ટર બોય છે. તેણે માઇક્રોસોફ્ટ, એપલ, એમેઝોન અને ગૂગલ બધાને પાછળ મકી દીધા છે.
આ બધી કંપનીઓનું બજારમૂલ્યબે લાખ કરોડથી ત્રણ લાખ કરોડ ડોલર કરતાં વધારે છે. હાલમાં ચાર લાખ કરોડ ડોલરના બજારમૂલ્ય શાથે આ શેર એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ અને અન્ય ઇન્ડેક્સમાં પણ મહત્વનું સ્થાન ધરાવતો થઈ ગયો છે. હજી બે વર્ષ પહેલાં જ એનવિડીયાનું બજારમૂલ્ય 600 અબજ ડોલરથી પણ ઓછું હતું. એનવિડીયા અને અન્ય કંપનીઓને એઆઇ બૂમનો ફાયદો મળ્યો છે. તેના કારણે એસ એન્ડ 500 ઇન્ડેક્સ પણ વિક્રમજનક સ્તરે પહોંચ્યો છે. તેના નફામાં જંગી ઉછાળાએ બજારને વૃદ્ધિમાં મદદ કરી છે. તેની વૃદ્ધિએ ઊંચા ફુગાવા અને અમેરિકન અર્થતંત્રને પ્રમુખ ટ્રમ્પની ટેરિફ અને અન્ય પોલિસીઓએ આપેલા ફટકાને પણ પાછળ મૂકી દીધી છે. હજી હમણા જ થોડા સમય પહેલા ચાઇનીઝ કંપનીએ ચેટજીપીટી જેવી એઆઇ એપ્લિકેશન લોન્ચ કરી ત્યારે એનવિડીયાના શેરમાં કડાકો બોલતાં એક જ દિવસમાં 593 અબજ ડોલર ધોવાઈ ગયા હતા, પરંતુ તેણે પછી આ ખોટ રિકવર કરી લીધી હતી.