‘શ્રમિક અન્નપૂર્ણ યોજના’ અંતર્ગત રાજ્યમાં 10 જિલ્લાના 118 કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત
આગામી સમયમાં વધુ નવા કેન્દ્રો શરુ થશે
ખાસ-ખબર સંવાદદાતા
કોઇપણ રાજ્યની સરકાર શ્રમયોગી કે મજૂર વર્ગને પૌષ્ટિક ભોજન તૈયાર કરીને સાવ નજીવા દરે આપે એનાથી રૂડું બીજું શું હોઈ શકે ? આવા શુભ આશય સાથેની ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ શરુ કરીને ગુજરાત સરકારે શ્રમિકો માટે એક નવી કેડી કંડારી છે. રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે, ઉપરાંત તેમનું આર્થિક ભારણ પણ ઘટે તે માટે રાજ્ય સરકાર દ્વારા માત્ર રૂ. 5ના રાહત દરે તેમને ભરપેટ ભોજન આપવામાં આવે છે. રાજ્યમાં અત્યારે 10 જિલ્લામાં કુલ 118 કડિયાનાકાઓ ખાતે આ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાંથી રોજગારીની શોધમાં અનેક શ્રમજીવી પરિવારો શહેરોમાં આવે છે. બાંધકામ સ્થળો ખાતે રોજગારી મેળવવા તેઓ રોજ સવારે કડીયાનાકા પર એકત્રિત થાય છે, જેથી તેમણે વહેલી સવારે રસોઈ કરવી પડે છે. કેટલાક તો સવારે માત્ર નાસ્તો કરીને જ આખો દિવસ કામ કરતા હોય છે,જેના કારણે તેમને પોષણયુક્ત આહાર મળતો નથી. સવારે કડીયાનાકા પરથી જ શ્રમયોગીઓને રાહત દરે પૌષ્ટિક અને સાત્વિક આહાર આપવામાં આવે તો તેઓ તંદુરસ્ત રહીને વધુ કામ કરી શકે. આવા શુભ આશય સાથે ગુજરાતમાં વર્ષ 2017માં ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ શરુ કરવામાં આવી હતી.
રાજ્યમાં હાલ અમદાવાદ જિલ્લામાં 47, ગાંધીનગર જિલ્લામાં 04, વડોદરા જિલ્લામાં 12, સુરત જિલ્લામાં 18, રાજકોટ જિલ્લામાં 9, વલસાડ જિલ્લામાં 6, મહેસાણા જિલ્લામાં 7, નવસારી જિલ્લામાં 3, પાટણ જિલ્લામાં 8 અને ભાવનગર જિલ્લામાં 4 ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. આમ, રાજ્યના 10 જિલ્લામાં કુલ 118 કડીયાનાકાઓ ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. આ ઉપરાંત જે બાંધકામ સ્થળ ખાતે 50થી વધુ શ્રમિકો હોય તેવી બાંધકામ સાઈટ પર જઈને સ્થળ ઉપર જ ભોજન વિતરણ કરવામાં આવે છે.
રાજ્યના વધુમાં વધુ બાંધકામ શ્રમિકો સુધી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ છે. એટલા માટે જ, વર્ષ 2023-24ના અંત સુધીમાં રાજ્યમાં કુલ 150 કડીયાનાકાઓ પર ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાનું આયોજન છે.જેમાં દરરોજ અંદાજીત 25 હજાર કરતાં વધુ શ્રમયોગીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચાડવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના અંદાજપત્રમાં રૂ. 50.40 કરોડની જોગવાઈ પણ કરવામાં
આવી છે.