સૌરાષ્ટ્ર યુનિ.માં નવા શૈક્ષણિક સત્રથી 1 વર્ષનો PG ડિપ્લોમા કોર્સ શરૂ થશે, વિદ્યાર્થીઓ સાયબર ક્રાઇમના ડેટાનું એનલિસિસ કરી સંશોધન કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે ઓનલાઇન બેન્કિંગ ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ અને હની ટ્રેપ પર રિસર્ચ કરશે. કારણ કે, અહીંના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા વર્ષ 2025-26ના નવા શૈક્ષણિક સત્રથી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન હ્યુમન રાઇટ્સ ઍન્ડ સાયબર સિક્યુરિટી લોનો નવો અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ સાયબર ગુનાઓ અને તેની મોડેસ ઓપરેન્ડીનુ ડેટા એનલિસિસ કરી સંશોધન કરશે. જેમાં સાયબર ક્રાઇમની સમજ, મનોવૈજ્ઞાનિક તકનીક, સોશિયલ મીડિયા ફ્રોડ, ઓનલાઇન બેન્કિંગ-મોબાઇલ એપ્લિકેશન ફ્રોડ, કોમ્પ્યુટર-લેપટોપ પર વાયરસ એટેક, સાયબર ક્રાઇમને લગતા કાયદાઓ, બચવા માટેના ઉપાયો પર અભ્યાસ થશે. જે પોલિસ વિભાગ અને સમાજ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. વર્તમાનમાં સાયબર ગુનાઓની પદ્ધતિમાં ખૂબ જ બદલાવ આવેલો છે. જેમાં હનીટ્રેપ, ડિજિટલ એરેસ્ટ અને ફાઇનાન્સિયલ ફ્રોડનો યુવાનો, મહિલાઓ અને વડીલો સહિતનાં ભોગ બનતા હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2025-26ના નવા શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટીના માનવ અધિકાર ભવનમાં સાયબર સિક્યુરિટીનો નવો કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ કોર્સ 1 વર્ષનો રાખવામાં આવેલો છે. જેમાં પ્રથમ સેમેસ્ટરમાં 2 વિષયો રાખવામાં આવેલા છે.
એક વિષય Concept and development of human rights છે, જ્યારે બીજો વિષય crimes in cyberspace: A threat to national security. જ્યારે બીજા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓએ ડેઝર્ટેશન રિસર્ચ રાઇટીંગ એટલે કે લઘુશોધ નિબંધ રજૂ કરવાનો રહેશે. જેમાં સાયબર ગુનાઓને અટકાવવા માટે વિદ્યાર્થીઓ રિસર્ચ વર્ક કરીને સમાજ અને પોલીસને ઉપયોગી બની શકે છે. જેમાં વિદ્યાર્થીઓ એ પ્રકારનો ડેટા મેળવશે કે કયા પ્રકારના સાયબર ગુનાઓને કઈ રીતે નિયંત્રણમાં રાખી શકાય. જેમાં ડોક્ટરલ અને નોન ડોક્ટરલ પદ્ધતિના આધારે રિસર્ચ વર્ક કરવામાં આવશે.
સાયબર ક્રાઈમના એક્સપર્ટ લેક્ચર ભણાવવા આવશે
- Advertisement -
આ અંગે સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે અમે વાતચીત કરવાના છીએ. સાયબર ક્રાઈમના અધિકારીઓને એક્સપર્ટ તરીકે લેક્ચરમાં પણ બોલાવવામાં આવશે. અહીં એડમિશન લેતા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ પોલીસ મથકની પણ મુલાકાત લેવડાવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ સાયબર ગુનાઓ અટકાવવા માટે ડેટા એનાલીસિસ કરી ચોક્કસ તારણ મેળવી શકશે અને તેથી લોકોમાં પણ જાગૃતિ આવશે.
પ્રથમ તબક્કે 15 સીટો સાથે પ્રવેશ
વિદ્યાર્થીઓનું ડેઝર્ટેશન રિસર્ચ પોલીસ વિભાગને મદદરૂપ થશે
પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન હ્યુમન રાઇટ્સ સાયબર સિકયુરિટી લોનો કોર્સ પ્રાથમિક તબક્કે 15 સીટો સાથે શરૂ કરવામાં આવશે. જેની વાર્ષિક ફી રૂ. 12,000 રાખવામાં આવશે. GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ)ના માઘ્યમથી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીઓનો રસ વધુ હશે તો વધુ સીટોની માંગણી કરવામાં આવશે. આ કોર્સમાં 75 ટકા હાજરી ફરજિયાત છે. સાયબર ક્રાઇમ અંગે આંકડાકીય માહિતી ખૂબ જ સારા પ્રમાણમાં મળી રહેશે. બીજા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ પાસે ડેઝર્ટેશન રિસર્ચ તૈયાર કરાવવાના છીએ. જેમાં કયા પ્રકારના સાયબર અપરાધો થાય છે, જેમાં પ્રશ્ર્નાવલીના માધ્યમથી લોકોના અભિપ્રાય જાણવામાં આવશે. સાયબર અપરાધોની લોકો પર શું અસર પડે છે? તેનો અભ્યાસ કરવામાં આવશે. આ સાથે જ સાયબર અપરાધોથી માનવ અધિકારોનુ હનન થાય છે. Life, Liberty, Equality, Dignityનો ભંગ થાય છે. વિદ્યાર્થીઓ સમાજ ઉપયોગી સંશોધન કરે અને તેનાથી શ્રેષ્ઠ ડેટા મેળવી પોલીસ વિભાગને મદદરૂપ થઇ શકે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
ગત વર્ષે કોર્સ શરૂ કરવા મંજૂરી માગી હતી: ડો. ભગીરથસિંહ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનનાં અધ્યક્ષ ડો. ભગીરથસિંહ માંજરીયાએ જણાવ્યું હતુ કે, મને ગત વર્ષે સાયબર સિક્યુરિટી અંતર્ગત સાયબર ક્લબ અંતર્ગત કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક કરવામાં આવેલી હતી. જેથી સાયબર ક્રાઇમ પોલીસના અધિકારીઓ સાથે મળવાનું થતું હતુ. સાઇબર ક્રાઇમની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગત વર્ષે વિચાર આવ્યો કે, માનવ અધિકારી અને સાયબર ગુનાઓ સબંધિત પી.જી. ડિપ્લોમા ઈન હ્યુમન રાઇટ્સ સાયબર સિકયુરિટી લોનો અભ્યાસક્રમ શરૂ કરીએ. ગત વર્ષે અમે મંજૂરી માંગતા કુલપતિ ડો. ઉત્પલ જોશી દ્વારા આ વર્ષે આ કોર્સ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવેલી છે.