કર્મીઓના કાઉન્સેલિંગ બાદ બંદોબસ્તમાં ફેરફાર કરીને ખાસ એક્શન પ્લાન તૈયાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
- Advertisement -
નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચ દરમ્યાન શહેર પોલીસને થાપ આપીને ભાવનગરનો યુવક ગત, શુક્રવારે લોખંડની જાળી કૂદીને મેદાનમાં પહોંચી જઇને મહેન્દ્રસિંહ ધોનીને ભેટયા બાદ પગે પડયો હતો. જેમાં અમદાવાદ પોલીસથી સુરક્ષા ચૂક થયાનું સામે આવતા ઉચ્ચ પોલીસ અધિકારીએ જવાબદાર પોલીસકર્મીઓના નિવેદન નોંધીને કાઉન્સેલિંગ કર્યુ હતુ. આથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક બંદોબસ્તમાં ફેરફાર કરીને ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં પોલીસકર્મીઓને ક્યાં બંદોબસ્ત છે તે પ્રમાણે આઇકાર્ડ ઉપરી અધિકારીઓ આપશે અને તેમણે ત્યાં ક્યા પ્રકારની કામગીરી કરવી અને શું ધ્યાન રાખવાનું તે અગાઉથી સમજાવી દેવામાં આવશે.
નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ગત, વર્લ્ડકપની ફાઇનલ મેચ બાદ ફરીથી એક વખત શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની મેચ દરમ્યાન ભાવનગરનો યુવક લોખંડની જાળી કૂદીને મેદાનમાં પહોંચી જઇને ધોનીને પગે લાગ્યો હતો. જેના પગલે શહેર પોલીસથી બીજી વખત સુરક્ષાચૂક થયાનું સામે આવ્યુ હતુ. જેથી અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક જવાબદાર પોલીસકર્મી અને અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરી હતી. જેમાં પોલીસકર્મીઓ અને અધિકારીએ પોતાની આપવિતી ઠાલવતા ઉચ્ચ અધિકારીને જણાવ્યુ કે, મેચ હોય સાંજના 7 વાગ્યે છે અમને બંદોબસ્તમાં 40 ડિગ્રી તાપમાનમાં બોલાવીને ખડેપગે બંદોબસ્ત કરવાનો હોય છે તેમજ પાણીની પણ સુવિધા હોતી નથી અને મેચ પૂર્ણ થાય ત્યાં સુધી તેમના કામ કરવાની ક્ષમતા પણ ઓછી થઇ જતી હોય છે. નવા પ્લાન મુજબ, ફિટનેસમાં કમ્પ્લેટ હોય તેવા કર્મીને સ્ટેડીયમમાં બંદોબસ્તમાં રાખવા તેમજ સ્ટેડીયમની અંદર ફરજ બજાવતા હોય તેવા કર્મીઓને મેચ શરૂ થાય તેના એક કલાક પહેલા જ બોલાવવામાં આવશે.