ચોમાસુ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે સુધારા વિધેયક, ACBને ફ્રી હેન્ડ અપાય તેવી શક્યતા, મિલકત જપ્તી સુધીનાં લેવાશે પગલાં
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.2
- Advertisement -
ગુજરાતમાં એક બાદ એક અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદો વધી રહી છે. આ અધિકારીઓમાંથી અનેક સામે મુખ્યમંત્રીની સીધી નજર હેઠળ પગલાં પણ લેવામાં આવ્યાં છે. અનેક અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ વચ્ચે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગૃહ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક યોજવાનો એજન્ડા એ હતો કે ભ્રષ્ટ અધિકારી પર કેવી રીતે કાબૂ મેળવવો? આગામી સમયમાં યોજાનારા ચોમાસુ સત્ર દરમિયાન ગુજરાત સરકાર એક કાયદો લાવી શકે છે એવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
આ કાયદા હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં લેવા માટેની નિયમાવલી તૈયાર થઈ શકે છે. અત્યાર સુધી વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓ સામે જ પગલાં લેવાઈ રહ્યાં હતાં. જો કે હવે આગામી સમયમાં બની રહેલા સંભિવત કાયદામાં વર્ગ-1ના અધિકારીઓ સામે પણ પગલાં લેવા માટેના નિયમો કડક કરવામાં આવી શકે છે. આ અંતર્ગત વર્ગ-1ના અધિકારીઓની મિલકત જપ્તી સુધીના પણ નિયમો બની શકે એવી જાણકારી મળી રહી છે. ખાસ કરીને આ કાયદાની અંદર ACBને વર્ગ-1ના અધિકારીઓ સામે પગલાં લેવા માટે ફ્રી હેન્ડ અપાઈ શકે છે.
ACBએ ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર હર્ષદ ભોજક અને તેના મળતિયા આશિષ પટેલને 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતા. તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવેલાં મકાનો અને દુકાનોના ભાડુઆત અને ફરિયાદીને વૈકલ્પિક વ્યવસ્થા માટે કામગીરી પૂર્ણ કરવા 50 લાખની લાંચ માંગી હતી. રકઝકના અંતે 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ લાંચની રકમ સ્વીકારતા હતા ત્યારે જ તેઓ ઝડપાઇ ગયા હતા.
- Advertisement -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વડીલો પાર્જિત મકાનો અને દુકાનો તોડ્યાં હતાં. જેથી મકાનો અને દુકાનોના ભાડુઆતો તથા ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી. જેમાં તેઓને વૈકલ્પિક વ્યવસ્થા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજૂ કરશો તો અખઈ દ્વારા વ્યવસ્થા કરી આપશે તેવું જણાવાયું હતું. જેથી ફરિયાદી ગવર્નમેન્ટ એપ્રુવ્ડ એન્જિનિયર આરોપી આશિષ પટેલને મળ્યા હતા. આશિષ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (TDO) હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી. હર્ષદ ભોજકે કામગીરી કરવા માટે 50 લાખ લાંચની માગણી કરી અને આરોપી આશિષને 10 લાખ આપવાની વાત કરી હતી. જેથી ફરિયાદીએ રકઝક કરતાં 20 લાખ રૂપિયા આપવા તેવું નક્કી થયું હતું. જેના પછી ફરિયાદીએ ACBને જાણ કરી હતી. ACBએ ચીનુભાઇ ટાવરમાં આવેલી એક ઓફિસમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું.