રાષ્ટ્રપતિ રઇસીના મોતના કારણે ઉત્તરાધિકારીનુ સંકટ ઘેરું બન્યું
ઉપપ્રમુખ મોહમ્મદ મુખબેરને વચગાળાના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ઈરાન, તા.21
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. તેમના મોત બાદ ઇરાન, ભારત અને અમેરિકા સહિત દુનિયાભરના લોકોની વચ્ચે હવે એક જ સવાલ થઇ રહ્યો છે કે તેમના મોત બાદ દેશની સત્તા કોણ સંભાળશે. હકીકતમાં ઈરાનમાં રાષ્ટ્રપતિ બનવા માટે ચૂંટણી લડવી પડે છે. જોકે, 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદ સત્તાની કમાન કોણ સંભાળશે તે અંગે મોટા ભાગે નિર્ણય સુપ્રીમ લીડર દ્વારા જ કરવામાં આવે છે. હાલમાં સુપ્રીમ લીડર અલી ખોમૈની છે. તેઓ જેને સમર્થન આપે છે તે વ્યક્તિ જ સત્તામાં આવે છે. દેશમાં રાજકીય સ્થિરતા માટે નેતાઓ, ધાર્મિક નેતાઓ અને સેના વચ્ચે સંવાદિતા હોવી ખૂબ જરૂૂરી હોય છે. આ કારણોસર એવી આશંકા છે કે તેમના આકસ્મિક મોતના કારણે તેમની વચ્ચે સત્તાસંઘર્ષનો ભય છે.
તેમના અકાળે મોતથી ઈરાનના રાજકારણમાં એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો છે. અત્યાર સુધી તેમને સર્વોચ્ચ નેતા ખોમૈનીના ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. તેમની વિદાય બાદ ખોમૈનીના પુત્ર મોજતબા અને લશ્ર્કરી નેતાઓની ભૂમિકામાં વધારો થવાની ધારણા છે. ઉપપ્રમુખ મોહમ્મદ મુખબેરને વચગાળાના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. સુપ્રીમ લીડર ખોમૈનીએ સોમવારે આની જાહેરાત કરી છે. ઇબ્રાહિમ રઇસીએ પદ સંભાળ્યા બાદ 2021માં મુખ્બેર ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ રઇસીના ખૂબ જ નજીકના માનવામાં આવે છે.