‘આપ’ ને મળી શકે છે યુવા અને કદાવર ચહેરો!
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના પેરિસથી દેશ વિદેશમાં ગુંજતું મોરબી હાલમાં અનેક પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે પીડાય રહ્યું છે. ચુંટણીઓ તો ઘણી આવી પણ સાથે મોંઘવારી અને ભ્રસ્ટાચારે પણ માજા મૂકી છે જેની ઝપેટમાં હજારો પરિવારો હોમાયા અને યેનકેન પ્રકારે કદાવર પાર્ટીઓએ પોતાનો પગદંડો જમાવી લોકોને જાણે મૌન કરી દીધા છે.
- Advertisement -
મોરબીની જનતાએ ભાજપ કોંગ્રેસ બંને પક્ષોને મોરબીનું સુકાન પણ સોંપ્યું હતું પરંતુ પરિણામ બધાની સામે જ છે ત્યારે હવે પ્રજા માટે આશાનું કિરણ એક જ છે આમ આદમી પાર્ટી ! જેને દિલ્હીથી લઈને પંજાબ અને ગુજરાતના સુરતમાં વિજયના બ્યુગલ ફૂંક્યા છે. માત્ર વિજય જ નહીં પરંતુ પંજાબના મુખ્યમંત્રીનું ભ્રષ્ટાચાર વિરોધી વલણ સમગ્ર દેશમાં વાહવાહી માંગી લે તેવું છે જયારે ગુજરાત આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું મોરબીમાં આગમન થયા બાદ જનતા સાથે સીધો સંવાદ હાલ વેગ પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મોરબીમાં કદાવર વ્યક્તિત્વ ધરાવતા યુવા આગેવાન કે જેને ભૂતકાળમાં થોડાં સમય પહેલા જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને હંફાવ્યા હતા ત્યારે વાત કરીએ આ યુવા અને જોશીલા ચેહરાની તો કોરોના કાળમાં પણ અનેક પરિવારો સુધી ભરપેટ ભોજન સાથે બીજી લહેરમાં મેડિકલ સુવિધા અને ફળ ફ્રૂટથી માંડી અનેક સુવિધાઓ આપીને જનઆશીર્વાદ મેળવ્યા હતા તેમજ કોરોનાના કપરા કાળમાં પોતાની તિજોરીના દ્વાર જનતા માટે ખુલ્લા મૂકી દીધા હતા. આ ઉપરાંત હાલમાં દિલ્હી સ્થિત આમ આદમી પાર્ટીના કદાવર નેતાઓએ પણ આ યુવાનના સંપર્કમાં રહીને મિટિંગોનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું પણ આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જો ખરેખર મજબૂત અને ઈમાનદાર નેતૃત્વ આ પક્ષ સાથે જોડાઈ તો મોરબીની સુખાકારીમાં ચોક્કસપણે વધારો થઈ શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.