ડૉક્ટરોમાં છૂપો રોષ, છતાં કામગીરી ફરજિયાત
નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આરોગ્ય વિભાગ દ્વારા કવાયત શરૂ, રખડતાં શ્ર્વાનોનો આતંક વધતા લેવાયો નિર્ણય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં રખડતા શ્ર્વાનોનો આતંક સતત વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લેતા સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશના પાલન રૂપે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ હવે સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો (ઈઇંઈ), અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (ઙઇંઈ) ના સંકુલમાં કેટલા રખડતા શ્ર્વાનો છે તેની ગણતરી કરવાની જવાબદારી સરકારી તબીબો અને સ્ટાફને સોંપવામાં આવી છે.
રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર.આર. ફૂલમાળી દ્વારા આ બાબતે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના કમ્પ્લાયન્સ માટે રાજ્ય કક્ષાએથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં અધિક નિયામક આરોગ્ય, મેડિકલ સર્વિસિસ અને એજ્યુકેશન એમ ત્રણેય વિભાગોના સહી-સિક્કા સાથે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાની તમામ ઙઇંઈ, ઈઇંઈ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજોના પ્રીમાઈસીસમાં કેટલા શ્ર્વાનો વસવાટ કરે છે તેની ચોક્કસ સંખ્યા જાણીને 3 માર્ચ સુધીમાં રિપોર્ટ સોંપવાનો રહેશે.
સરકારી તબીબોને જ્યારે દર્દીઓની સારવાર અને વહીવટી કામગીરીનું ભારણ હોય છે, ત્યારે આ પ્રકારે શ્ર્વાનોની ગણતરી કરવાની વધારાની જવાબદારી સોંપાતા તબીબી આલમમાં કચવાટ જોવા મળી રહ્યો છે. અનેક ડોક્ટરોનું માનવું છે કે આ કામગીરી અન્ય એજન્સીઓ કે નગરપાલિકાના સ્ટાફ પાસે કરાવવી જોઈએ. જોકે, જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ સુપ્રીમ કોર્ટનો આદેશ હોવાથી તેનું પાલન કરવું અનિવાર્ય છે. ઙઇંઈ ના સ્ટાફ દ્વારા જ ગણતરી કરવામાં આવશે અને નક્કી કરેલી વર્કશીટમાં આ આંકડાઓ ભરીને મોકલવાના રહેશે.
શ્ર્વાન કરડવાના કેસોમાં ચિંતાજનક ઉછાળો
રાજકોટમાં રખડતા શ્ર્વાનોની સમસ્યા કેટલી ગંભીર છે તે આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. વર્ષ 2024 માં શ્ર્વાન કરડવાના કુલ 9000 કેસ નોંધાયા હતા, જેની સરખામણીએ વર્ષ 2025 માં આ આંકડો વધીને 13000 પર પહોંચી ગયો છે. આમ, માત્ર એક વર્ષમાં જ કેસોમાં 4000 જેટલો વધારો જોવા મળ્યો છે. હોસ્પિટલના પટાંગણમાં રખડતા શ્ર્વાનોના કારણે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને પણ સતત ભય રહેતો હોય છે. ઉલ્લેખનીય છે કે, આ ગણતરી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ર્ય હોસ્પિટલ સંકુલોને શ્ર્વાનમુક્ત કરવા અથવા ત્યાં વધતા શ્ર્વાનોના ત્રાસને નિયંત્રિત કરવાનો છે.



