અમદાવાદમાં રખીયાલ વિસ્તારમાં આવેલી શાળામાં શિક્ષક પર છરી વડે હુમલો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાલમાં અમદાવાદમાં રખીયાલ વિસ્તારમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં નજીવી બાબતે શાળાના શિક્ષક પરના છરી વડે હુમલાની ઘટનાએ સમગ્ર શિક્ષણ ક્ષેત્રમાં ભય અને અસુરક્ષાની લાગણી ઉભી કરી છે. આ દુ:ખદ અને નિંદનીય ઘટના માત્ર એક વ્યક્તિના ક્રિમીનલ વર્તનને કારણે સમગ્ર સમાજ માટે ચિંતાનું કારણ બની છે. મહામંડળ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે તેમજ આ ઘટનાના સંબંધે શિક્ષકો અને શાળાની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવા અંગેની રજૂઆત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે જિલ્લામાં આવેલી તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં સલામતી માટે અસરકારક વ્યવસ્થા કરવામાં આવે, શાળાઓના પ્રવેશદ્વાર અને પરિસરમાં સુરક્ષા કર્મીઓ અને સીસીટીવી દ્વારા નિગરાની રાખી અસામાજિક અને ક્રિમીનલ લોકો સામે સુરક્ષાના પ્રવેશ નિયમો અને પગલાંની એસ.ઓ.પી. બહાર પાડવામાં આવે, હિંસાત્મક વ્યવહાર કે હુમલાની ઘટનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત પગલાં લેવામાં આવે, શિક્ષકો માટે મનોસામાજિક સલાહકાર કે કાનુની માર્ગદર્શન માટે જિલ્લા સ્તરે તાત્કાલિક સુવિધા ઉભી કરાવવામાં આવે તેમજ તમામ શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓ કે સામાજિક રાજકીય સંગઠનો માટે ગાઈડલાઈન અને કાનુની નિયમો દ્વારા શિસ્ત, માનવતા અને યોગ્ય વ્યવહાર અંગે વ્યવસ્થાપન અંગે તાલીમાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વધુમાં આવા પ્રકારની ઘટનાઓ શિક્ષણજગતના માનસિક મોરલને તોડતી હોય છે, તે માટે સ્થાયી અને કડક સુરક્ષા વ્યવસ્થા શૈક્ષણિક સ્થાનો માટે આવશ્યક બની છે તેવું અંતમાં કલેકટરને રજૂઆત કરતાં જણાવ્યું હતું.



