બહારનું ફૂડ ખાનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
ગ્વાલિયા સ્વીટ્સ રેસ્ટોરન્ટમાંથી ઑનલાઇન મગાવેલા ફૂડમાંથી બે વંદા નીકળ્યા, રૂ. 25,000નો દંડ ફટકારાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
અમદાવાદમાં બહારની હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવા પીવાનું પણ હવે બંધ કરવું પડે તેવી સ્થિતિ છે. કારણ કે શહેરમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટોમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓમાંથી ખરાબ વસ્તુઓ નીકળવાની ઘટના સતત ચાલુ છે. શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટ્સ નામની રેસ્ટોરન્ટમાંથી સરખેજના પરિવારે ઓનલાઈન છોલે-ભટુરે મંગાવતા તેમાંથી બે વંદા નીકળ્યા હોવાનું સામે આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ મળી હતી જેથી ટીમ દ્વારા ગ્વાલિયા સ્વીટ્સમાં તપાસ કરવામાં આવી હતી અને રૂ. 25,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
અખઈ ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી ગ્વાલિયા સ્વીટ્સ નામની રેસ્ટોરન્ટમાંથી ઓનલાઇન મંગાવેલા ફૂડમાંથી વંદા નીકળ્યા હોવા અંગેની ફરિયાદ મળી હતી. ફરિયાદીએ પહેલાં ફરિયાદ આપી હતી ત્યારબાદ તેમણે ફરિયાદ પાછી લેવાની વાત કરી હતી. પરંતુ જે ફરિયાદ મળી તેને લઈને તપાસ કરવામાં આવી હતી અને રેસ્ટોરન્ટ પાસેથી રૂ. 25000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. કોઈપણ પ્રકારની આવી ઘટના ફરીથી ન બને તેનું ધ્યાન રાખવા માટે પણ જણાવ્યું હતું. તમામ લાઇસન્સ એની પાસે હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આ મામલે માત્ર હાલ વહીવટી ચાર્જ લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શહેરના સરખેજ વિસ્તારમાં રહેતા એક પરિવાર દ્વારા પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટ્સ નામની રેસ્ટોરન્ટમાંથી છોલે ભટુરે ઓનલાઇન મંગાવવામાં આવ્યા હતા. ઓનલાઇન મંગાવેલા ફૂડને ખોલતા તેમાં છોલેમાંથી બે વંદા નીકળતા તાત્કાલિક કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. જોકે ત્યારબાદ તેઓએ ફરિયાદ પાછી લીધી હતી. ભૂતકાળમાં ગ્વાલિયા સ્વીટ્સ નામની રેસ્ટોરન્ટમાંથી અવારનવાર ખાદ્ય ચીજવસ્તુઓમાંથી કોઈ ચીજવસ્તુ નીકળતી હોવાની ફરિયાદ પણ મળી છે.