શીશાંગના યુવાન પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યા બાદ મેટોડામાં બોલાવી પિતરાઈ ભાઈ પર ધારીયા છરીથી તૂટી પડ્યા
ત્રણ શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મેટોડામાં બે યુવાન પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર નામચીન ત્રિપુટીને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે કાલાવડના શીશાંગ ગામે રહેતાં રામદેવસિંહ અશોકસિંહ જાડેજા ઉ.28એ તેના જ ગામના રાજકુમાર સિંહ ઉર્ફે કુમાર યુવરાજસિંહ ઘનુભા જાડેજા અને બે અજાણ્યા શખ્સો સામે મેટોડા પોલીસમાં હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.2 માં આવેલ આઇ.એસ.કે. આટો ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં છેલ્લા બે વર્ષથી કંપનીની ઇકો ગાડીનું ડ્રાઇવીંગ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે ગઇ તા.07/04/2025 ના સવારના નવેક વાગ્યે તેઓ કંપનીએ આવેલ અને બેંકનું કામ હોય જેથી બપોરના સમયે ઘરે શીશાંગ ગયેલ ત્યાંથી તે અને તેના પિતા અશોકસિંહ પોતાની ઇકો ગાડી લઈને મોટા વડાળા ગ્રામીણ બેંકમાં બેંકનું કામ પતાવી પરત શીશાંગ આવતા હતા ત્યારે મોટા વડાળા રોડ ઉપર તેઓના ગામના રાજકુમારસિંહ ઉર્ફે કુમાર જાડેજા પોતાની કાર ફરિયાદીની ઇકો ગાડી ઉપર નાખેલ અને ભટકાતા માંડ માંડ રહી ગયેલ હતી.
- Advertisement -
જેથી ફરીયાદીએ તુરત જ રાજકુમાર સિંહ ઉર્ફે કુમારને ફોન કરેલ અને કહેલ કે, મારી ઉપર ગાડી કેમ નાખે છે? મારી સાથે આવી મસ્તી ન કરતો, તો કુમારે કહેલ કે, ગાડી આ રીતે જ ચાલશે અને હું કોઈ મસ્તી નહોતો કરતો બીજી વાર ભટકાડી જ દઇશ તેમ કહી ગાળો આપવા લાગેલ જેથી તેને ગાળો બોલવાની ના પાડતા કહેવા લાગેલ કે, હું હમણા મેટોડા આવુ છુ, તુ ત્યાં જ રહેજે તેવી ધમકી આપતાં તેઓએ ફોન કાપી નાખેલ હતો બાદ તેઓ તેના પિતાને ઘરે ઉતારી નોકરીએ મેટોડા જીઆઇડીસી ખાતે આવી ગયેલ હતો. ત્યારે કુમાર સતત ફોન કરી તું ક્યાં છો હું મેટોડા બે નંબરના ગેઇટે તારી વાટ જોઈ ઉભો છુ, તારે આવવુ ન હોય તો તારી કંપનીનુ એડ્રેસ આપ હુ ત્યા આવુ, તેવી ધમકી આપતો હતો. પરંતુ યુવાનને કુમાર સાથે કોઈ માથાકુટ કરવી ન હોય જેથી તેને જવાબ આપતો ન હતો સાંજના સવા સાતેક વાગ્યે તેઓ કંપનીથી ઘરે જવા નિકળેલ ત્યારે પણ કુમારના ફોન આવતા હોય જેથી ભય લાગતા તેઓએ કાકાના દિકરા પ્રદિપસિંહ જાડેજાને ફોન કરીને વાત કરેલ અને કુમાર બે નંબરના ગેઇટે બોલાવે છે, તુ બે નંબરના ગેઇટે આવ તેમ કહેલ અને ગેઇટ નંબર 02 પરથી ભાડા માટે માણસો પણ લેવાના હોય તેઓ બે નંબરના ગેઇટે ગયેલ ત્યારે કુમાર પોતાની અલ્ટો ગાડી લઈને ત્યા ઉભેલ હતો.
તેમને જોઈ પાસે આવેલ અને કહેવા લાગેલ કે, તુ ફોનમાં શું બોલતો હતો મારી સાથે મસ્તી કરવી નહી એમ, હવે તો માથે ચડાવી દઈશ કયા ખોવાઈ જઈશ કોઈને ખબર પણ નહી પડે ત્યારે તેમના કાકાનો દિકરો પ્રદિપસિહ પણ આવી ગયેલ અને તેણે કુમારને માથાકુટ નહી કરવા સમજાવતો હતો. ત્યારે કુમાર એકાએક ઉશ્કેરાઈ જઈ પ્રદિપસિંહ સાથે ઝપાઝપી કરવા લાગેલ હતો. ત્યારે ફરીયાદી વચ્ચે પડી માથાકુટ ન કરવા સમજાવતો હતો દરમિયાન બસ સ્ટેન્ડની પાળીએ બેસેલ બે અજાણ્યા માણસો ઉભા થયેલ અને ગાડીની પાછળની સીટ ઉપરથી ધારીયુ અને ધોકો કાઢી પ્રદિપસિંહને પાછળના ભાગે ધારીયુ મારી દીધેલ અને બીજો ઘા મારવા જતો હતો ત્યારે યુવાને હાથ વચ્ચે નાખતા અંગુઠાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી. કુમારે તેના નેફામાંથી છરી કાઢી યુવાનને પીઠના ભાગે ઘા મારી દીધા હતાં અને પ્રદિપસિંહને પણ ગળામાં તથા પગમાં ગોઠણ પાસે છરકા કરી ઇજાઓ કરેલ હતી. અજાણ્યા શખ્સે લાકડાનાં ધોકા વડે બન્નેને મારવા લાગેલ જેથી તેઓ ત્યાંથી ભાગવા લાગેલ અને આરોપીઓ પણ નાસી છૂટ્યા હતાં બાદમાં તેઓ બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે પ્રથમ મેટોડા અને બાદમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી મેટોડા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.એચ.શર્મા અને ટીમે તપાસ આદરી ગણતરીની કલાકોમાં આરોપી રાજકુમારસિંહ ઉર્ફે કુમાર જાડેજા, કાલાવડના અબ્બાસ અકબર મુલતાની અને આરીફ અકબર કાજીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



