સેશન્સ અદાલત દ્વારા અલગ-અલગ બે કેસમાં આજીવન કેદની સજા આપવામાં આવી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌ પ્રથમ તા. 25-4-2013ના રોજ કલ્પેશભાઈ વિરજીભાઈ કાકડીયા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી કે તેઓ તા. 25-4-2013ના રોજ સવારે 12-30 વાગ્યે તેઓના ઘરેથી નીકળી મુરલીધર ડેલા પર આવેલ અને ધંધો ચાલુ કરેલો હતો ત્યારબાદ બપોરના આરામ કરવા ડેલામાં હતા ત્યારે 2-00 વાગ્યાની આસપાસ હાથમાં હથિયારો સાથે આવેલા જેમાં તલવાર હતી જે માણસ 35નો હતો તેમજ બે માણસો પાસે લાકડાના ધોકા તેમજ એકની પાસે પાઈપ હતો. આ ચારેય વ્યક્તિઓએ કંઈ કહ્યા વગર ફરિયાદીને માર મારવા લાગેલા અને તલવારવાળા ભાઈએ ડાબા પગમાં તેમજ જમણા પગે ઢીંચણના નીચે નળાના ભાગે માર મારેલો હતો તેમજ બીજા ઈસમોએ લાકડી અને પાઈપ વડે માર મારેલો હતો. આ વખતે આ લોકોની સાથે બીજા બે માણસો આવેલા હતા જેમાં તેઓએ જોયેલા કે ભાવેશ રઘુભાઈ કુગશીયા તથા ભરત રઘુભાઈ કુગશીયા હતા અને તેઓએ ઉપરોક્ત લોકોને મારો-મારો કહેલ હતું. ત્યારબાદ તેઓનું વિશેષ નિવેદન લેવામાં આવેલું જેમાં તેઓએ કહ્યું કે ભરતએ તલવાર મારેલી તથા ભાવેશએ લાકડાના ધોકા વડે માર મારેલો હતો. જે અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા આઈ.પી.સી. કલમ 147, 148, 149, 324, 325, 323 447 તથા જી.પી. એક્ટની કલમ 135(1) મુજબનો ગુન્હો નોંધેલો હતો, ત્યારબાદ ગુન્હા અનુસંધાને આઈ.પી.સી. કલમ 307નો ઉમેરો કરેલો હતો. જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા જગદીશ દેવાયતભાઈ કુગશીયા, મહાવીરસિંહ ઉર્ફે લાલો ચંદુભા જાડેજા, જેન્તીભાઈ વાઘજીભાઈ જંજવાડીયા, ભરત રઘુભાઈ કુગશીયા, ભાવેશ રઘુભાઈ કુગશીયા, ધર્મેશ બકુલભાઈ જીંજુવાડીયા વિગેરેની ધરપકડ કરેલી હતી.
ત્યારબાદ ગુન્હામાં ચાર્જશીટ થતાં કેસ ચાલી જતાં નામદાર સેશન્સ અદાલત દ્વારા ભરત રઘુભાઈ કુગશીયા તથા ભાવેશ રઘુભાઈ કુગશીયાને ઉપરોક્ત કલમો અન્વયે આજીવન કેદની સજા તથા દંડ કરવામાં આવેલો હતો. ત્યારબાદ ઉપરોક્ત આરોપીઓ પૈકી ભરત રઘુભાઈ કુગશીયા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલી અને જે અપીલ અનુસંધાને તેઓ દ્વારા જામીન પર છુટવા માટે રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલી હતી, જે જામીન અરજીમાં એવી રજૂઆત કરવામાં આવેલી કે હાલના અરજદાર આરોપીએ કોઈ હથિયાર વડે માર મારેલો હોય તેવું ચાર્જશીટ જોતાં જણાય આવતું નથી કે તેવો કોઈ પુરાવો પણ મળી આવેલો નથી તેમજ ફરિયાદીની ફરિયાદ મુજબ ભાવેશભાઈએ કોઈ હથિયાર વડે હુમલો કરેલો હોય તેવું ફરિયાદમાં જણાવેલું નથી તેમજ આઈ.પી.સી. કલમ 307ના કોઈ તત્ત્વો પુરાવા જોતાં જણાય આવતા નથી. ફરિયાદીને જે ઈજાઓ હતી તે ફ્રેકચરની ઈજાઓ હતી તેમજ ફરિયાદીને થયેલી ઈજાઓ મૃત્યુ નિપજાવવા માટે પૂરતી ન હતી તેમજ કોઈપણ વ્યક્તિને ગેરકાયદે મંડળીમાં સજા કરવા માટે 5 તથા વધુ વ્યક્તિ હોવી જરૂરી છે જ્યારે હાલના કેસમાં 2 વ્યક્તિઓને સજા કરવામાં આવેલી છે, જેથી ગેરકાયદે મંડળીના કોઈ જ તત્ત્વો ફલિત થતાં નથી તેમજ ટ્રાયલ કોર્ટ દ્વારા અન્ય આરોપીને જ્યારે શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવેલો હોય તેમજ ફરિયાદીને એવી ગંભીર ઈજાઓ થયેલ નથી કે જેનાથી તેનું મૃત્યુ નીપજે તેમજ આરોપી ભાવેશ કુગશીયાએ કોઈ હથિયાર વડે માર મારેલો હોય તેવું ક્યાંય જણાય આવતું નથી.
ત્યારબાદ બીજી ફરિયાદ પ્રવિણભાઈ છગનભાઈ લુણાગરીયાએ તા. 11-11-13ના રોજ એવી ફરિયાદ નોંધાવેલી કે તેઓ પોતાના મોટર સાયકલ લઈ ઘરેથી 8-30 વાગ્યે વાડીએ જવા નીકળેલા ત્યારે સાધુ વાસવાણી કુંજ રોડ પર પહોંચતાં ર્સ્કોપિયો ગાડી આવેલી અને તેમાં ભરત રઘુભાઈ કુગશીયાનાઓ સદરહુ ગાડી ચલાવતા હતા તેના મોટર સાયકલમાં પાછળથી ઠોકર મારી પછાડી દીધેલા ત્યારબાદ ગાડીમાંથી નીચે ઉતરી બીજા 7 માણસો આવેલા, જેમાં ભરતના હાથમાં તલવાર અને તેના માસીના દીકરા ગંભીરના હાથમાં ધારિયું તેમજ અન્ય લોકોના હાથમાં લોખંડના પાઈપ હતા, જે દરમિયાન તેઓ ભાગવા જતા બધાયે ભેગા મળી હુમલો કરેલો, જેમાં ભરતભાઈએ જમણા હાથે તલવાર મારી ઈજા કરેલી, ગંભીરભાઈએ પગમાં ધારિયુ અને બીજા માણસોએ હાથમાં તથા પગમાં પાઈપ મારી ગંભીર ઈજાઓ કરેલી હતી, ત્યારબાદ ફરિયાદી દ્વારા તેઓના દીકરાને ફોન કરી બોલાવતા તેનો દીકરો તથા મિત્ર બંને બનાવવાળી જગ્યાએ આવી જતાં ફરિયાદીને હોસ્પિટલ લઈ ગયેલા અને જ્યાં તેઓ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી. જે અનુસંધાને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 307, 143, 147, 148, 324, 325 તથા જી.પી.એક્ટની કલમ 135 મુજબનો ગુન્હો નોંધેલ હતો અને જે ગુન્હા અનુસંધાને પ્ર.નગર પોલીસ સ્ટેશન દ્વારા ગંભીર નાગદાનભાઈ ડાંગર, ભરત રઘુભાઈ કુગશીયા, રામભાઈ દેવશીભાઈ પીઠીયાની ધરપકડ કરેલી હતી.
- Advertisement -
ત્યારબાદ ગુનામાં ચાર્જશીટ થતાં કેસ ચાલી જતાં નામદાર સેશન્સ અદાલત દ્વારા ભરત રઘુભાઈ કુગશીયા તથા ગંભીર નાગદાનભાઈ ડાંગરને ઉપરોક્ત કલમો અન્વયે આજીવન કેદની સજા તથા દંડ કરવામાં આવેલો હતો. ત્યારબાદ ઉપરોક્ત આરોપીઓ પૈકી ભરત રઘુભાઈ કુગશીયા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલી અને જે અપીલ અનુસંધાને તેઓ દ્વારા જામીન પર છુટવા માટે રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલી હતી, જે જામીન અરજીમાં એવી રજૂઆત કરવામાં આવેલી કે હાલના અરજદાર આરોપીએ કોઈ હથિયાર વડે માર મારેલો હોય તેવું ચાર્જશીટ જોતાં જણાય આવતું નથી કે તેવો કોઈ પુરાવો પણ મળી આવેલો નથી તેમજ આઈ.પી.સી. કલમ 307ના કોઈ તત્ત્વો પુરાવા જોતા જણાય આવતા નથી. ફરિયાદીને જે ઈજાઓ હતી તે ફ્રેકચરની ઈજાઓ હતી, જે ધારિયા જેવા હથિયારથી સંભવિત બની શકે નહીં અને ફરિયાદીએ તેઓની જુબાનીમાં એવી સ્પષ્ટતા કરેલી નથી કે સદરહુ ધારિયુ ઉંધુ મારેલું હતું તેમજ ડોકટરની જુબાની જોતાં તેઓની થયેલી ઈજાઓ ધારિયાથી થઈ શકે તેવી ન હતી તેમજ ફરિયાદીને થયેલ ઈજાઓ મૃત્યુ નિપજાવવા માટે પૂરતી ન હતી.આ બંને કેસમાં આરોપી વિરુદ્ધ કોઈ પ્રથમ દર્શનીય પુરાવો રજૂ કરી શકેલા નથી, આરોપીઓની સામે માર મારવાના હેતુનો પણ પુરાવો સાબિત થતો નથી, મહત્ત્વના સાહેદોને ફરિયાદ પક્ષે તપાસેલા નથી અને કાયદાકીય મુદ્દાઓની દલીલો કરવામાં આવેલી હતી અને ઉચ્ચ અદાલતના ચૂકાદાઓ રજૂ રાખવામાં આવેલા હતા. ઉપરોક્ત બચાવપક્ષની દલીલો અને કાયદાકીય આધારો અને સેશન્સ અદાલતમાં રજૂ થયેલા પુરાવાઓ અને જુબાનીઓ ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપી ભરત રઘુભાઈ કુગશીયાને બંને કેસમાં રૂા. 10,000ના અપીલ ચાલતા દરમિયાન જામીન ઉપર મુક્ત કરેલા છે.
આ કામમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ વિરાટભાઈ પોપટ તથા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવીર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર રોકાયેલા હતા.