ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આગામી તા.16/06/2024ના રોજ સવારે પેપર -1નો સમય સવારે 9.30 કલાકથી 11.30 કલાક સુધી તેમજ પેપર -2નો સમય બપોરે 2:30 કલાક થી 5:30 કલાક સુધી પ્રિલિમિનરીની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ શહેરના પરીક્ષા કેન્દ્રો પર પોલીસ કમિશ્નર બ્રિજેશ કુમાર ઝા દ્વારા આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરના જે-જે શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે નકકી કરવામાં આવેલ છે. તે શાળાઓ (પરીક્ષા કેન્દ્રો) કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ એકત્રીત થશે નહીં.
- Advertisement -
પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની 100 મીટરની ત્રીજયામાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન અને ફેકસ મશીન ચાલુ રાખશે નહી કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી. અને 100 મીટરની ત્રિજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહી કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. તેમજ શાળાઓ (પરીક્ષા કેન્દ્રો)ની 100 મીટરની ત્રીજયામાં ચાર કે તેથી વધારે વ્યકિતઓ ભેગા થશે નહી.પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન, બ્લુટુથ, આઇ.ટી. ઉપકરણો જેવા ઇલેકટ્રોનીક સાધનો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જવા નહી તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવા નહી. શાળા-કોલેજોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-4 ના પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને તે ઓળખકાર્ડ સબંધિતોએ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.