‘ખાસ-ખબર’ના અહેવાલનો પડઘો
તાલુકા શિક્ષણાધિકારીએ સદભાવના, સાંદિપની અને વિવેકાનંદ વિદ્યાલયને નોટીસ ફટકારી
ખાસ-ખબર સંવાદદાતા
હળવદની અમુક ખાનગી શાળાઓમાં જાહેર રજાઓનો ઉલાળીયો કરીને અવાર નવાર શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવી છે જેમાં અગાઉ પણ કોરોના સમયે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાનો બનાવ સામે આવ્યો હતો તો સાથે ગાંધી જયંતિ, બકરી ઈદ હોય કે પછી સરદાર પટેલની જન્મજયંતી હોય આ તમામ જાહેર રજાઓમાં હળવદની અમુક ખાનગી સંસ્થાઓએ નિયમોને નેવે મુકીને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હોવાનો અહેવાલ ગત તા. 01 ના રોજ ’ખાસ-ખબર’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
’ખાસ-ખબર’ ના આ અહેવાલના પગલે સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ હળવદ શહેરની ત્રણ ખાનગી શાળાઓને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા બદલ નોટિસ ફટકારી છે જેમાં સદભાવના શૈક્ષણિક સંકુલ, સાંદિપની ઈંગ્લીશ સ્કૂલ અને વિવેકાનંદ વિદ્યાલયને નોટિસ આપવામાં આવી છે પરંતુ આ માત્ર કહેવા પુરતી જ કાર્યવાહી થઈ છે. વાસ્તવિકતામાં જો ખાનગી સ્કૂલોના સીસીટીવીની ચકાસણી કરવામાં આવે તો હળવદ તાલુકાની મોટાભાગની ખાનગી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાનો પર્દાફાશ થાય તેમ છે જેથી કરીને શિક્ષણ વિભાગની આ કામગીરી સવાલોના ઘેરામાં છે.