આશરે 100 મકાનને નોટિસ આપતા મેયરને આવેદન: જમીનની સામે વૈકલ્પિક જમીન આપવા રજૂઆત
ટીપી નં-14માં અમલીકરણ હજુ થઈ નથી છતાં ટીપી શાખાએ 15 દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પૂર્વ ઝોન વિસ્તારના વોર્ડ નં-4ની પાંચ સોસાયટીમાં આવેલા 100 મકાનોને તોડી નાખવાની નોટિસ આપતા રહીશોએ મેયરને આવેદન પાઠવ્યું છે. વોર્ડ નં-4માં આવેલી ગણેશ સોસાયટી, તિરૂપતી પાર્ક, અમૃત પાર્ક, જય જવાન જય કિશાન મફતીયાપરા, સૂર્યમુખી હનુમાન મફતીયાપરાના રહેવાસીઓએ મનપા કચેરીએ આજે એકત્ર થઈ મેયરને રજૂઆત કરી હતી કે, ચોમાસામાં ડિમોલીશનની મનાઈ હોવા છતા ટીપી શાખાએ 15 દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે.
- Advertisement -
વોર્ડ નં-4માં બાલક હનુમાન ચોકમાં પાંચ માળનું ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું છે, મોરબી રોડ પર પણ એક નેતાનું બિલ્ડિંગ ગેરકાયદે ઊભું છે છતા તેની સામે કોઈ પગલા લેવાતા નથી. જ્યારે ગરીબ વર્ગના મકાનો તોડી પાડવામાં આવે છે જો અમને ન્યાય નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું. તેવી ચીમકી ઉચ્ચારી છે. આવેદનમાં જણાવ્યા મુજબ જે જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપી છે તે ટીપી નં-14ના ક્યાં સરવે કે પ્લોટ નંબર આવે છે તેના ઓપી નંબર કે એફપી નંબર જણાવ્યો નથી. જ્યારે ટીપી નં-14માં અમલીકરણ હજુ થઈ નથી. અમોને મનપાની ઓફીસમાંથી કે શહેરી વિકાસ વિભાગની વેબસાઈટ પરથી મળેલ નથી જે આપવી જરૂરી છે. અમારી જમીન 18 મીટરના ટીપી રોડ પર આવે છે તે ક્યાં આધારે છે. તેના નકશા કે સરવે માપણીના પાર્ટ પ્લાન આપેલ નથી.



