ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાએ ફરી એકવાર જાહેર રસ્તાઓ પરના ધાર્મિક બાંધકામોને નોટિસ આપવાનું શરૂ કર્યું છે. આ કાર્યવાહી અંતર્ગત, હાથીખાના વિસ્તારમાં આવેલા 50 વર્ષ જૂના બાલમુકુંદ હનુમાન મંદિરને નોટિસ આપવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને આ મંદિર અવરોધરૂપ નહીં હોવાથી તેને દૂર નહીં કરવા મનપા કમિશ્નરને રજુઆત કરવામાં આવનાર હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
- Advertisement -
સુપ્રિમ કોર્ટની રીટ પીટીશન અને ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ, રાજ્યભરમાં જાહેર માર્ગો પરના મંદિર, મસ્જિદ સહિતના ધાર્મિક દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં, હાઇકોર્ટે ફરી આ અંગે માર્ગદર્શન આપતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં નોટિસ આપવાની કામગીરી તેજ કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, હાથીખાના વિસ્તારમાં એક 50 વર્ષ જૂના મંદિરને નોટિસ આપવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવાયો હતો.
હાથીખાનાની શેરી નંબર 3માં આવેલું બાલમુકુંદ હનુમાન મંદિર (દેરી) લગભગ 50થી 60 વર્ષ જૂનું છે. શુક્રવારે, મનપા દ્વારા આ મંદિરની બહાર નોટિસ લગાવવામાં આવી હતી. આ જાણ થતાં જ સ્થાનિક રહેવાસીઓ આજે સવારે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અહીંના લોકોએ જણાવ્યું કે, આ દેરી પાંચ દાયકાથી અહીં છે અને તે કોઈને પણ અવરોધરૂપ નથી. તેમ છતાં, નોટિસ મળતા હવે તેઓ મ્યુ. કમિશનરને આ અંગેની રજૂઆત કરશે.