સરમુખત્યાર કિમે સૈન્ય રસ્તા પર ઉતાર્યું
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર કોરિયામાં કોરોના સંક્રમણ અત્યંત ઝડપથી વધી રહ્યું છે. આ સંજોગોમાં વિશ્વના દેશો આરોગ્ય સેવાને મજબૂત બનાવી રહ્યા છે, ત્યારે ઉત્તર કોરિયાએ રસ્તા પર સૈન્ય જવાનો તહેનાત કરી દીધા છે. રાજધાની પ્યોંગયાંગમાં તમામ દવાની દુકાનો સામે જવાનો તહેનાત છે. અહીં આશરે 15 લાખ લોકો પીડિત છે. અહીં 24 કલાકમાં છ લોકોના કોરોનાથી મોત થયા છે. એપ્રિલથી અત્યાર સુધી 56 લોકોના સંક્રમણથી મોત થઈ ચૂક્યા છે. કોરોનાની તપાસ માટે પૂરતી ટેસ્ટ કિટ નહીં હોવાથી અહીં સ્થિતિ બદતર થઈ રહી છે. યુનાઈટેડ નેશન્સના રિપોર્ટ પ્રમાણે, દુનિયાના બે જ દેશ ઉત્તર કોરિયા અને ઈરિટ્રિયાએ વેક્સિન ખરીદી નથી.દક્ષિણ કોરિયાએ માસ્ક, રસી અને ટેસ્ટ કિટ આપવાની રજૂઆત કરી હતી, પરંતુ કિમે ના પાડી દીધી. 2.6 કરોડની વસતી ધરાવતા ઉ. કોરિયાની આરોગ્ય સુવિધા દુનિયામાં સૌથી ખરાબ છે. ઉ. કોરિયામાં આશરે 40% લોકો કુપોષિત છે, જે કોવિડ-19નો પ્રભાવ વધારી રહ્યા છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે, સ્થિતિ ઝડપથી કાબૂમાં નહીં લેવાય તો કિમ જોંગનો પણ સત્તાપલટો થઈ શકે છે.