પ્રશ્ર્ન 1: વાસ્તુ પ્રમાણે મંદિરની અંદર ભગવાનની ગોઠવણી કેવી રીતે કરવી જોઈએ?
ઉત્તર 1: આજના સમયની અંદર લગભગ બધા લોકો જાણે છે કે, ઘર કે ઓફિસની અંદર ઈશાન ખૂણામાં મંદિરની સ્થાપના કરવી વાસ્તુ પ્રમાણે સૌથી યોગ્ય જગ્યા છે. છતાં ઘણી વાર લોકો દિશાના જ્ઞાનના અભાવે મંદિર ખોટી જગ્યાએ રાખતા હોય છે ઈશાન ખૂણામાં મંદિરની ગોઠવણી માટે ફક્ત સૂર્યોદય ક્યાંથી થાય છે તે પર આધાર ન રાખતા કંપાસ એટલે કે દિશા સૂચક યંત્રનો ઉપયોગ કરી દિશા નિર્ધારણ કરવું જોઈએ. મંદિરની સ્થાપના ઈશાન ખૂણામાં કરવી તથા ભગવાનનું મુખ પશ્ર્ચિમ દિશા તરફ અને પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશા તરફ રહે તેનું ખાસ ધ્યાન રાખવું કેમ કે વાસ્તુ વિઝિટ દરમિયાન અમોએ ઘણીવાર અનુભવ્યું છે કે, લોકો મંદિર તો ઈશાન ખૂણામાં રાખે છે પરંતુ ભગવાનનું મુખ દક્ષિણ દિશા તરફ રહે તે રીતે ગોઠવણી કરતા હોય છે જે યોગ્ય નથી, તો ઘણા કિસ્સાઓની અંદર લોકો મંદિર રાખવાને બદલે કાચના સેલ્ફ પર કે લાકડાનાં પાટિયા પર ભગવાનને બિરાજમાન કરતા હોય છે જે પણ યોગ્ય નથી, જો ઘર કે ઓફિસની અંદર ઓછી જગ્યા મળતી હોય તો નાના મંદિરની અંદર ભગવાનની સ્થાપના કરવી જોઈએ. ઘણા લોકો મંદિરને એટલી બધી ઊંચાઈએ રાખતા હોય છે કે પૂજા કે ધૂપ દીપ કરવા માટે સ્ટુલ કે ટેબલ પર ચડીને પૂજા કરવી પડે આવી પરિસ્થિતિને ટાળી શકાય તો સારું છે. પૂજા મંદિરની અંદર રાખવા માટે મૂર્તિની ઊંચાઈ ના પણ સ્પષ્ટ નિર્દેશો વાસ્તુમાં આપવામાં આવેલા છે તેથી ઘરની અંદર અસામાન્ય ઊંચાઈ ધરાવતી મૂર્તિઓ ન રાખવી જોઈએ, ભગવાનની મૂર્તિઓ નેચરલ મટિરિયલ કે ઉત્તમ ધાતુની બનેલી હોય તેને વધારે પ્રાધાન્યતા આપવી, ખંડિત થયેલી મૂર્તિઓ કે ફોટાને પણ પૂજા મંદિરમાં ન રાખતા વિદ્વાન બ્રાહ્મણ પાસે તેનું વિધિવત વિસર્જન કરાવવું જોઈએ.
પ્રશ્ર્ન 2 : મારી ફેક્ટરીની અંદર જગ્યા થોડી ઓછી પડે છે તો માર્જિનની જગ્યાની અંદર છાપરા નાંખી તે જગ્યાનો ઉપયોગ કરવો છે તો તે કઈ દિશામાં છાપરા નાંખવા જોઈએ ?
- Advertisement -
ઉત્તર 2: વાસ્તુ સંદર્ભમાં આ પ્રશ્ર્ન પણ ક્લાઈન્ટ દ્વારા વારંવાર પૂછાતા પ્રશ્ર્નોમાંનો એક પ્રશ્ર્ન છે. ઔદ્યોગિક વિકાસના પરિણામે લગભગ ઈન્ડસ્ટ્રીયલ યુનિટમાં જગ્યાની જરૂરિયાત ઉભી થતી હોય છે અને તે લોકો માર્જિનમાં રહેલી જગ્યાઓને કવર કરી ત્યાં સ્ટોરેજ કે અન્ય નાની પ્રવૃત્તિઓ કરતા હોય છે. વાસ્તુ પ્રમાણે દક્ષિણ દિશા કરતા ઉત્તર દિશામાં ખુલ્લી જગ્યા વધારે રહેવી જોઈએ તેમજ પશ્ર્ચિમ દિશા કરતાં પૂર્વ દિશામાં ખુલ્લી જગ્યા વધારે રહેવી જોઈએ તેથી પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં છાપરા ન નાખો. પરંતુ પશ્ર્ચિમ દિશા કે દક્ષિણ દિશાની અંદર છાપરા નાખી શકાય, એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કે બાઉન્ડ્રી વોલને અડીને કોઈપણ પ્રકારનું બાંધકામ કરવાનું નથી, ઘણા લોકોને બાઉન્ડ્રી વોલની ઉપર કે અડીને બાંધકામ કરતા હોય છે જે પણ વાસ્તુ મુજબ યોગ્ય નથી. ઉપરાંત ઈશાન ખૂણાની અંદર ખુલ્લી જગ્યા રાખવી જેથી કરીને શુભ ઉર્જાઓ સારી રીતે આપની જગ્યામાં પ્રવેશી શકે.
પ્રશ્ર્ન 3 : અમારા ઘરની દિવાલોમાં વારંવાર તિરાડો પડે છે તો શું તે વાસ્તુદોષ હોઈ શકે ?
ઉત્તર 3: વાસ્તુ પ્રમાણે ઘરની અંદર તિરાડો હોવી એ શુભ લક્ષણ નથી, ઘરની અંદર દિવાલોમાં તિરાડો થવી કે ભેજ આવવો કે વારંવાર રંગ ઉખડી જવાની સ્થિતિઓ ઘમા લોકો સાથે જોવા મળે છે. વાસ્તુ પ્રમાણે જમીનની નીચેની ઉર્જા જો ખૂબ નકારાત્મક હોય તો ઘણી વખત દિવાલોમાં કે ફ્લોરિંગમાં તિરાડો કે ટાઈલ્સ ઉખડી જવાની સ્થિતિઓ ઉદ્દભવે છે પરંતુ દરેક વખતે તેવું હોય તે જરૂરી નથી ઘણી વખત નબળું બાંધકામ કે મકાન નિર્માણ કરતી વખતે કોઈ ત્રુટી રહી ગઈ હોય તો પણ આવું સંભવ બને છે પરંતુ તિરાડોની અંદર લાપી ભરાવી તેને તુરંત રિપેર કરાવી લેવી.
- Advertisement -
પ્રશ્ર્ન 4 : અમારે ફાઈનાન્સને લગતી વ્યવસાયિક પ્રવૃત્તિ માટે ઓફિસ ખરીદવાની છે તો કઈ દિશાની ઓફિસ લેવી અમારા માટે અનુકુળ રહેશે ?
ઉત્તર 4: નાણાંકીય સંસ્થાઓ, બેંક કે ફાઈનાન્સને લગતી અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે સૌથી ઉત્તમ દિશા ઉત્તર દિશા એટલે કે જો આપની મિલકતમાંથી બહાર નીકળતી વખતે આપને ઉત્તર દિશા દેખાય તે પ્રકારની મિલકત આપે ખરીદવી જોઈએ, એ વાતનો ખાસ ખ્યાલ રાખવો કે મિલકત ચોરસ અથવા લંબચોરસ હોય, જો ઉત્તર દિશાની મિલકત ના મળે તો વિકલ્પે આપ પૂર્વ દિશાની મિલકત પણ લઈ શકો છો. આવનારા સમયમાં નાણાંકીય સંસ્થાઓની અંદર વાસ્તુ મુજબ કઈ રીતે ગોઠવણી કરવી તે વિશે આપણે વિસ્તૃત લેખ લખીશું.
પ્રશ્ર્ન 5 : અમારે નવા ઘરની અંદર ફ્લોરિંગ કરવાનું છે તો ફ્લોરિંગના બદલે મારબલનો ઉપયોગ કરી શકાય ?
ઉત્તર 5: આજકાલ લોકોની અંદર એવી પણ ભ્રમણા હોય છે કે મારબલનો ઉપયોગ ફક્ત મંદિરોમાં કે ભગવાનની મૂર્તિઓ પુરતો જ કરવોક, વાસ્તુ પ્રમાણે ઘરની અંદર મારબલનો ઉપયોગ કરી શકાય છે, કોઈપણ સંશય વગર આપ કુદરતી રીતે મળતા પથ્થરને કે મારબલને આપના ઘરમાં લગાવી શકો છો, ઘણા મારબલ સોફ્ટ હોવાને પરિણામે તૂટી જવાનો ભય રહેતો હોય છે તેથી ક્યા પ્રકારનો મારબલ લગાવવો તે માટે આપના આર્કિટેક્ટ કે ઈન્ટિરિયર ડિઝાઈનરની સલાહને અનુસરવું.
રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.