વિંછીયા તાલુકાના ઓરી ગામની શાળામાં નર્સરી બનાવી સવા વર્ષથી રોપાનું વિનામૂલ્યે કરે છે વિતરણ
રાજકોટ જિલ્લાના શિક્ષક દંપતીએ કોરોનાકાળ અને લોકડાઉનનો સદુપયોગ કરીને પર્યાવરણનું ઉમદા કાર્ય કર્યું છે.
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ઓરી ગામની પી.જે. શેઠ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં છેલ્લા ૧૫ વર્ષથી ફરજ બજાવતાં શિક્ષક દંપતી હર્ષદભાઈ રોજાસરા અને તેમના પત્ની મતી સ્મિતાબેનને લોકડાઉનમાં સદવિચાર આવ્યો કે શાળાઓ બંધ છે ત્યારે કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરીએ. દંપતીએ શાળાના કેમ્પસમાં જ નર્સરી બનાવવાનો વિચાર કર્યો અને આજે છેલ્લા સવા વર્ષથી ચાલતા સેવાયજ્ઞને લીધે હજારો રોપા આ દંપતીએ અથાગ મહેનત કરીને તૈયાર કર્યા છે.
દૂધ અને છાશની થેલીઓ જુદા જુદા વિસ્તારમાં જઇને એકત્ર કરી વેસ્ટ માંથી બેસ્ટ તરીકે રોપાની બેગ તૈયાર કરી છે. માટી પણ પોતાની રીતે લાવીને જુદા જુદા વિસ્તારોમાં પ્રવાસ કરીને આશરે ૧૦૦ જાતના વૃક્ષો અને છોડના રોપા તૈયાર કરવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધું રોપા બનાવી વિનામુલ્યે વિતરણ કર્યું છે.
- Advertisement -
પર્યાવરણના રક્ષણ સાથે વૃક્ષ પ્રેમનો ઉમદા વિચાર ધરાવતા હર્ષદભાઈ કહે છે કે લોકડાઉનમાં અમે આ પ્રવૃત્તિ હાથ ધરી હતી અને અમારા આ સેવાકીય કાર્યમાં અમારા બાળકો પણ અમને મદદ કરતા હતા.તેઓએ વધુંમાં કહયું કે શાળામાં બાળકોનો જન્મદિવસ હોય ત્યારે અમે બાળકને રોપાની ભેટ આપીએ છીએ. આ ઉપરાંત આસપાસની લોકશાળા- આશ્રમ શાળાઓ તેમજ અન્ય શાળાઓમાં પણ રોપા આપીએ છીએ. રોપા બનાવવામાં પણ વિછિયા સહિતના વિસ્તારમાંથી મદદ મળી છે. સામાજિક સંસ્થાઓ અને વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ કરતા લોકો ખેડૂતો પણ આ અમારા રોપા લઈ જાય છે. તેનો કોઇ ચાર્જ રાખવામાં આવ્યો નથી પરંતુ કોઈ ખુશીથી તેમને યોગ્ય લાગે તે રકમ આપે તો એ રકમ એકત્ર કરીને શાળાના વિદ્યાર્થીઓના કલ્યાણ માટે ઉપયોગમાં લઇશું
અત્યાર સુધીમાં સામાજિક વનીકરણ પ્રવૃત્તિ અર્થે રૂ. ૨૫૦૦૦ અને લોકો તરફથી રૂપિયા ૧૫૦૦૦ એમ કુલ ૪૦ હજાર જેવી રકમ ભેટમાં મળી છે તેમ હર્ષદભાઇએ જણાવ્યું હતું. ઓરી ગામના આ શિક્ષક દંપતીની કામગીરીને શિક્ષકો, સ્થાનિક તંત્ર અને પર્યાવરણીય સંસ્થાઓએ આવકારી છે. આ વિસ્તારમાં વધુંને વધું વૃક્ષોનું વાવેતર થાય અને બાળકોમાં વૃ્ક્ષ ઉછેરનું ઘડતર થાય તેવો ઉદેશ આ પ્રવૃતિમાં રહેલો છે.


