4 પોલીસ ટીમોની શોધખોળ યથાવત, ડોગ સ્ક્વૉડની મદદ લેવાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
ભવનાથ ખાતેના ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવભારતી બાપુ પાંચ પાનાની સુસાઇડ નોટ લખીને રવિવારની વહેલી સવારે ગુમ થઈ ગયાની ઘટનાને 48 કલાકથી વધુ સમય વીતી જવા છતાં આજ બપોર સુધી પોલીસને તેમના કોઈ સગડ મળ્યા નહોતા. આ ઘટના બાદ પોલીસની ચાર ટીમો દ્વારા ડોગ સ્ક્વોડની મદદથી જંગલ સહિતના વિસ્તારોમાં તપાસ યથાવત રાખવામાં આવી છે.
- Advertisement -
મહાદેવભારતી રવિવારે વહેલી સવારે કોઈને કહ્યા વગર પગપાળા જંગલ તરફ ગયા હતા. તેમની શોધખોળ માટે ભવનાથ પોલીસ, એલસીબી, એસઓજી સહિતની 4 ટીમો તપાસ કરી રહી છે. જોકે, સોમવારની વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ લઘુ મહંત મહાદેવભારતીએ આશ્રમના ટ્રસ્ટીને ફોન કરીને પોતે જટાશંકર ખાતે હોવાની જાણ કરી હતી અને ભૂલ થઈ ગઈ હોવાનું જણાવી આશ્રમે પરત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ટ્રસ્ટી દ્વારા આ માહિતી પોલીસને અપાતા, પોલીસની ટીમ તાત્કાલિક વન વિભાગના સ્ટાફ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને જટાશંકર ખાતે પહોંચી હતી. પરંતુ ત્યાં પણ મહાદેવભારતીની કોઈ ભાળ મળી નહોતી. જટાશંકરના મહંત સહિતનાની પૂછપરછમાં તેમણે મહાદેવભારતીને જોયા ન હોવાનું જણાવ્યું હતું.
પોલીસ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી તપાસ કરી રહી છે, પરંતુ આજ બોપર 12 વાગ્યા સુધી કોઈ સફળતા મળી નથી. દરમિયાન, પોલીસે લઘુ મહંત સુધી પહોંચવા માટે ભારતી આશ્રમના 12 થી 15 સેવકો ઉપરાંત રિક્ષા ચાલકો, દુકાનદારો, ફેરીયાઓ અને માલધારીઓ સહિત લગભગ 150 જેટલા લોકોના નિવેદન લીધા છે. સાથે જ, મહાદેવભારતીએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરેલા 5 શખ્સોમાંથી 3ની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.



