ખાટડીના ફૌજી ખેડૂતે લાઇટના પૈસા ભર્યે 6 મહિના થયા પણ કનેક્શન ન મળ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
મૂળી તાલુકાનાં ખાટડી ગામનાં ફૌજી ખેડૂતે ગત જાન્યુઆરીમાં વાડીના લાઇટ કનેકશન માટે નાણા ભર્યા હોવા છતાં આજદિન સુધી વીજપાવર ન મળતાં પરિવારજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. અને તંત્ર દ્રારા યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી રહ્યા છે.
- Advertisement -
મૂળી તાલુકામાં પીજીવીસીએલની કામગીરી જાણે પોતાની મરજીથી ચાલતી હોય તેમ અવાર નવાર ગ્રાહકોની ફરિયાદો ઊઠે છે. ત્યારે મૂળીનાં ખાટડી ગામના અને હાલ કાશ્મીરમાં ફૌજમાં ફરજ બજાવતા ગભરૂભાઇ ખાંભલાના ભાભી દેવુબેન લાખાભાઇ રબારીના નામે જમીન હોય જેથી ગત જાન્યુઆરીમાં તેઓએ નિયમ મુજબ ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે નાણા ભર્યા હતા. જેને આજ 5 મહિના જેટલો સમય થવા આવ્યો તેમ છતાં હજુ સુધી કનેક્શન ન મળતા ફૌજીના પરિવારજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્રારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી માગ કરી રહ્યા છે.
આ અંગે ફૌજી ગભરૂભાઇ ખાંભલાએ જણાવ્યું હતું કે મારો પરિવાર ખાટડીમાં સંયુક્ત રહે છે. મારા ભાભીના નામથી ખેતીના પાવર માટે અરજી કરી છે પરંતુ 5 મહિના કરતા વધુ સમય વીત્યો તેમ છતાં આજદિન સુધી હજુ લાઇટ મળી નથી. એક બાજુ ફૌજીના સન્માન માટે તિરંગા યાત્રા કાઢવામાં આવે છે. બીજી તરફ ફૌજીના પરિવારની વ્યથા કોઇ સાંભળતું નથી.



