જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ PM મોદી સાથે વાત કરી ત્યારે હું પણ એ જ રૂમમાં હતો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
- Advertisement -
અમેરિકાની મુલાકાતે રહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અમેરિકા સાથે વેપાર સંબંધિત વાટાઘાટો અને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે કોઈ સંબંધ નથી. તેમણે ન્યૂઝવીકના સીઈઓ દેવ પ્રસાદ સાથેની મુલાકાત દરમિયાન આ વાત કહી.
જયશંકરે કહ્યું- 9 મેની રાત્રે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પીએમ મોદી સાથે વાત કરી હતી. તે સમયે હું પણ એ જ રૂમમાં હતો. વેન્સે ચેતવણી આપી હતી કે પાકિસ્તાન ભારત પર મોટા હુમલાનો પ્લાન કરી રહ્યું છે. પીએમ મોદીએ તેની પરવા ન કરતા કહ્યું હતું કે- હુમલાનો જવાબ આપવામાં આવશે. વિદેશ મંત્રીએ કહ્યું- બીજા દિવસે સવારે (10 મે) યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પીએમનો સંપર્ક કર્યો. કહ્યું- પાકિસ્તાન વાતચીત માટે તૈયાર છે. આ પછી, પાકિસ્તાનના ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાએ ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈનો સંપર્ક કર્યો અને યુદ્ધવિરામની વિનંતી કરી.
ખરેખરમાં, 10 મેના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગેની પહેલી માહિતી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ડ પોસ્ટ દ્વારા આપી હતી. ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે તેમણે ભારત અને પાકિસ્તાનને વેપાર ન કરવાની ધમકી આપી હતી, ત્યારબાદ બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા હતા.
- Advertisement -
જયશંકરે કહ્યું- ઘટનાક્રમ એવી રીતે બન્યો ન હતો. રાજદ્વારી અને વેપાર સંબંધિત ચર્ચાઓ સંપૂર્ણપણે અલગ છે. મને લાગે છે કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જે કરવું જોઈએ તે કરી રહ્યા છે, જેમ કે નંબર, લાઈનોં, પ્રોડક્ટ્સ અને વેપાર કરાર. તેઓ બધા પ્રોફેશનલ છે અને આના પર ધ્યાન કેન્દ્રિત છે.
ભારતનું વલણ સ્પષ્ટ છે- આતંકવાદીઓને કોઈપણ રીતે છોડવામાં આવશે નહીં. હવે તેમને પ્રોક્સી તરીકે જોવામાં આવશે નહીં. આતંકવાદીઓને ટેકો આપતી સરકારોને છોડવામાં આવશે નહીં. પરમાણુ બ્લેકમેઇલિંગ પણ અમારા જવાબને રોકી શકશે નહીં.
પહેલગામ હુમલો એક સુનિયોજિત આર્થિક યુદ્ધ હતું : વિદેશ મંત્રી એસ. જયશંકર
ચર્ચા દરમિયાન, જયશંકરે કહ્યું કે 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો એક સુનિયોજિત આર્થિક યુદ્ધ હતું. તેનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં પ્રવાસન ઉદ્યોગને નષ્ટ કરવાનો હતો. આ હુમલો કાશ્મીરના અર્થતંત્રની કરોડરજ્જુ એવા પ્રવાસન પર હુમલો હતો. આતંકવાદીઓ ઇચ્છતા હતા કે લોકો ડરી જાય, પ્રવાસીઓ આવવાનું બંધ કરી દે અને ઘાટીનું આર્થિક માળખું ધ્વસ્ત થાય. હુમલાખોરોએ ધાર્મિક ઓળખના આધારે લોકોને અલગ કર્યા અને પછી તેમની હત્યા કરી દીધી, જેથી સાંપ્રદાયિક તણાવ ફેલાય.