આજે ઉમેદવારી નોંધાવશે, બિનહરીફ ચૂંટાવાની શક્યતા
ભાજપના સૌથી યુવા અધ્યક્ષ બનશે
- Advertisement -
છેલ્લાં 6 મહિનામાં 3 પ્રદેશ અધ્યક્ષ બિનહરીફ ચૂંટાયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભાજપના કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તે નિશ્ર્ચિત છે. આજે તેઓ પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં ઉમેદવારી પત્ર ભરશે.
ત્યારબાદ 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી આ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી નામ પાછા ખેંચવાનો સમય રહેશે. જો ફક્ત એક જ ઉમેદવારી પત્ર યોગ્ય જણાશે, તો ચૂંટણી અધિકારી તેમને બિનહરીફ અધ્યક્ષ જાહેર કરશે. જો બે ફોર્મ આવશે તો 20 તારીખે મતદાન થશે.
આ દરમિયાન પાર્ટીના લગભગ તમામ મુખ્યમંત્રીઓ, રાજ્ય એકમના પ્રમુખો અને વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. ભાજપે 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નીતિનને 14 ડિસેમ્બર 2025ના રોજ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
છેલ્લા 6 મહિનામાં ત્રણ રાજ્યોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બિનહરીફ ચૂંટાયા છે. જુલાઈમાં હેમંત ખંડેલવાલને ખઙના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ ડિસેમ્બરમાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અને સાત વખતના લોકસભા સાંસદ પંકજ ચૌધરીને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમના સિવાય કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી. જાન્યુઆરીમાં ઝારખંડમાં આદિત્ય સાહુને પ્રદેશ અધ્યક્ષ પદની જવાબદારી મળી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી રાષ્ટ્રીય પરિષદ કરે છે, જેમાં લગભગ 5,708 સભ્યો શામેલ છે. આમાં રાષ્ટ્રીય પરિષદ અને તમામ રાજ્ય પરિષદોના સભ્યો શામેલ હોય છે, જે દેશના 30 થી વધુ રાજ્યોમાંથી આવે છે. પરંતુ જો ફક્ત એક જ નામાંકન હોય, તો મતદાનની જરૂર નહીં પડે.



