ભાવનગરથી લોકસભામાં ચૂંટાયા બાદ કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન પામનારા નિમુબેન પ્રથમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
ભાવનગર લોકસભા બેઠક પરથી પહેલી જ વાર ચૂંટણી લડીને વિક્રમી મત અને રેકર્ડબ્રેક લીડ મળવનારા સાંસદ નિમુબહેન બાંભણીયાને આજે એનડીએ સરકારમાં રાજ્યકક્ષાએ મંત્રીપદ માટે શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે વધુ એક વિક્રમ સર્જાયો હતો કે ભાવનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતીને કેન્દ્રમાં પ્રધાનપદ મેળવનારા ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ સાંસદ બન્યા છે. અગાઉ ડો.મનસુખભાઇ માંડવીયા રાજ્યસભાના સાંસદ હતા ત્યારે તેઓ કેન્દ્રમાં મંત્રી બનતા ભાવનગરમાંથી સૌ પ્રથમ વખત મંત્રીપદ માટે પસંદગી થઇ હતી પણ ત્યારે ડો.માંડવીયા રાજ્યસભાના સાંસદ હતા જ્યારે આજે ભાવનગર લોકસભામાંથી ચૂંટાયેલા નિમુબહેનને કેન્દ્રમાં રાજ્ય કક્ષાનું મંત્રીપદ મળતા વધુ એક ઇતિહાસ રચાયો છે.
57 વર્ષીય નિમુબેન બાંભણીયાએ Msc., Edનો અભ્યાસ કર્યો છે. તેઓ વ્યવસાયે શિક્ષક છે. નિમુબેન તળપદા કોળી સમાજમાંથી આવે છે. નિમુબેન બાંભણિયા નગરસેવક તરીકે ત્રણ ટર્મ રહ્યા છે. તેઓ વર્ષ 2005થી 2020 સુધી અને સૌથી વધુ મતની લીડથી નિમુબેન બાંભણીયા ઘોઘા સર્કલ વોર્ડમાં જીત મેળવી હતી. નિમુબેન બાંભણીયા ભાવનગર નગરપાલિકાના મેયર તરીકે બે ટર્મ 2015થી 2018 અને 2009થી 2010 રહી ચૂક્યા છે. જે એક વિક્રમ છે. નિમુબેન બાંભણીયા ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 2011થી 2016 દરમિયાન ડાયરેક્ટર રહી ચુક્યા છે. આ ઉપરાંત ભાજપ સંગઠનમાં તેઓ 2011થી 2013 સુધી પ્રદેશ ઉપપ્રમુખપદે રહી ચૂક્યા છે.ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખપદે 2013થી 2021 સુધી જવાબદારી સંભાળી ચૂક્યા છે. કોળી સમાજમાં તેઓ આગેવાન છે. તેઓ નવી દિલ્હી અખિલ ભારતીય કોલી સમાજ,રાષ્ટ્રીય મહિલા મોરચાનાના 2022થી મહામંત્રી છે. સમસ્ત કોળી સમાજ સેવા મંડળમાં સક્રિય છે. ભાવનગર મહિલા મોરચામાં નિમુબેન વર્ષ ઇ.સ.2009થી 2011 પ્રમુખ રહ્યા છે. આ સાથે વર્ષ 2008 થી 2010 ભાવનગર શહેર સંગઠનમાં પણ ઉપપ્રમુખ રહી ચુક્યા છે.