બિહારમાં NDAની જંગી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે
બિહારમાં એનડીએએને પ્રચંડ વિજય મળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે મને ખાતરી છે કે આગામી વર્ષે પશ્ચિમ બંગાળની પ્રજા પણ જંગલરાજને ફગાવી દેશે. ભાજપની યુપીથી લઈ બિહાર સુધી પહોંચેલી ગંગા છેવટે બંગાળ સુધી પણ પહોંચશે તેમ તેમણે જણાવ્યું હતું. તમણે પક્ષના મુખ્યમથકે કાર્યકરો અને સમર્થકોનો આ વિજય બદલ આભાર માન્યો હતો.
- Advertisement -
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમલીગી માઓવાદી કોંગ્રેસ બની ગઈ છે. કોંગ્રેસમાં કામદાર કરતાં નામદાર વધારે છે. તે નામદારોનો બનેલો પક્ષ છે. કોંગ્રેસની અંદર કેટલાક નામદાર એવા છે જે તેમની સાથે જોડાનાર દરેકને લઈને ડૂબે છે. ડૂબવાની તેમની આ પરંપરા હવે દિનપ્રતિદિન નવો ઇતિહાસ સર્જતી રહી છે. તે કદાચ ભારતીય રાજકારણમાં પરાજયનો નવો અધ્યાય લખે તો પણ આશ્ચર્ય નહીં થાય. સંબોધન દરમિયાન બિહારીઓ સાથે જોડાણ દર્શાવવા પીએમ મોદીએ બિહારી સ્ટાઇલમાં ગમછો લહેરાવ્યો હતો અને પહેર્યો પણ હતો. આ ગમછા પર મિથિલા પેઇન્ટિંગ હતુ. તેમણે જણાવ્યું હતું કે તેમને બિહારની મહિલાઓ અને યુવાનોએ વિજય અપાવ્યો છે. આ ફોર્મ્યુલાએ વિપક્ષની મુસ્લિમ-યાદવની કોમવાદી ફોર્મ્યુલા ફગાવી દીધી હતી.
તેમણે ઉમેર્યુ હતું કે બિહાર લોકશાહીની જનની છે અને બિહારની પ્રજાએ તેમની લોકશાહી પર તરાપ મારનારાઓને ધૂળ ચાટતા કરી દીધા હતા. બિહારે ફરીથી બતાવ્યું છે કે અસત્ય પરાજિત થાય છે અને સત્યનો વિજય થાય છે. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે તેની પાસે દેશને લઈને કોઈ પોઝિટિવ વિઝન નથી, તેના સહયોગી પક્ષો તેને સત્તા માટે વળગેલી ઉધઈ જેવા છે, જે તેને કોરી ખાઈ રહ્યા છે. બિહારનો વિજય તે ત્યાંની પ્રજા માટે નવા યુગનો પ્રારંભ છે અને આગામી પાંચ વર્ષ રાજ્ય પૂરઝડપે વિકાસ સાધશે.




