બપોરે દોઢ વાગ્યા બાદ વરસાદે રફતાર પકડી : ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ
ખાસ-ખબર સંવાદદાતા
હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં લાંબા વિરામ બાદ ગઈકલથી વરસાદી માહોલ છવાયો છે. એકાદ ઇંચ વરસ્યા બાદ આજે વહેલી સવારે ધોધમાર અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે, ત્યારબાદ બપોરે બે વાગ્યા સુધીમાં ધીમીધારે વધુ અડધો ઇંચ મળીને કુલ 1 ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફરી વળી છે. મુરજાતી મોલાતને ઝરમર વરસાદથી નવજીવન મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજરોજ ગણેશ ચતુર્થી હોવાથી ઝરમર વરસાદ વચ્ચે ઠેર-ઠેર ગણપતિનું સ્થાપન પણ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં આજે વહેલી સવારે ધોધમાર અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. બાદમાં બપોરે દોઢેક વાગ્યા સુધી સતત ધીમીધારે વરસાદ વરસ્યો હતો. શહેરમાં સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હોવાથી સૂર્ય નારાયણનાં દર્શન થયા નહોતા. બપોરે દોઢ વાગ્યા બાદ વરસાદે રફતાર પકડી છે. જેમાં શહેરનાં કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, એરપોર્ટ, કુવાડવા રોડ, ગોંડલ રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટ સહિત જિલ્લામાં અત્યારે મરચી, કપાસ અને મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. ત્યારે લાંબા સમય સુધી વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં હતા. છેલ્લા બે દિવસથી મેઘરાજા શહેર ઉપરાંત જિલ્લામાં ધીમીધારે વરસતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મેઘરાજા વધુ મહેર કરશે તેવી આશા ખેડૂતોમાં જાગી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 23 સપ્ટેમ્બર સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.