ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. આ વચ્ચે ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાએ જોરદાર જમાવટ કરી છે. ચોમાસાના આગમનની સાથે જ મોન્સૂ ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
- Advertisement -
આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 4 દિવસ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.
2 રેડ તો 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડમાં વધુ વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત સુરત અને ડાંગ તેમજ તાપીમાં પણ વરસાદની શક્યતાને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે દાદરા નગર હવેલી અને દમણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું હોવાથી વધુ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વલસાડ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, દ્વારકા અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદ થવાની સંભાવના છે. વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.
દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો નવસારીમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં NDRFની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.