ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા અંતે મોરબીના સિરામિક ઉદ્યોગને ફાયદો કરતી જાહેરાત કરવામાં આવી છે. સિરામિક ઉદ્યોગકારોને પાઇપલાઇન થકી આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટરે રૂપિયા 7 નો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડાની સાથે ઉદ્યોગકારોને જબરદસ્ત ફાયદો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા ગુજરાત ગેસ દ્વારા તેનો સીધો જ ફાયદો મોરબીના સિરામિક ઉદ્યોગ જગતને પાસ ઓન કરવામાં આવ્યો છે. યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ બાદ મોરબી સિરામિક ક્લસ્ટરની મહત્વની જરૂરિયાત એવા નેચરલ પાઇપલાઇન ગેસના ભાવમાં બમણા જેટલો વધારો થયા બાદ ધીમે ધીમે ગેસના ભાવમાં ઘટાડો થવાનું શરૂ થયું છે જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ ઘટતા હવે ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબી સિરામિક ક્લસ્ટર માટે આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 7 નો ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા હાલમાં ઉદ્યોગકારોને નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 7ના ઘટાડા અંગે જાણ કરવામાં આવી છે. અગાઉ રૂપિયા 8.50 ના ભાવ ઘટાડા બાદ નેચરલ ગેસના ભાવ 53 થયા હતા જેમાં હવે વધુ રૂપિયા 7 નો ઘટાડો કરવામાં આવતા હવે ડોલરના ભાવની વધઘટ મુજબ અંદાજે 46 થી 47 રૂપિયા જેટલા ભાવે ઉદ્યોગકારોને ગેસ મળી શકશે. આમ નવા વર્ષના પ્રારંભે જ ગેસના ભાવમાં ઘટાડો થતા ઉદ્યોગકારોને મંદીના કપરા સમયમાં થોડી રાહત મળી શકશે.