નિફટી, મીડકેપ સહિતના અનેક સેકટેરીયલ ઇન્ડેક્ષ નવી રેકોર્ડબ્રેક ઉંચાઇએ
આઇટી, બેંક, મેટલ સહિતના તમામ ક્ષેત્રોના શેરોમાં ઓલરાઉન્ડ ધુમ લેવાલીથી ઉછાળો
- Advertisement -
મુંબઇ શેરબજારમાં નવા નવા કિર્તીમાન સ્થપાઇ રહ્યા હોય તેમ તેજીના દૌર વચ્ચે સેન્સેકસે આજે 66000ની નવી ઉંચાઇ હાંસલ કરી હતી. તમામ શેરોમાં ઓલ રાઉન્ડ લેવાલીના પગલે સેન્સેકસ 600 પોઇન્ટના ઉછાળાથી આ નવી ઉંચાઇની આંબી ગયો હતો. શેરબજારમાં આજે શરૂઆત જ ગેપઅપ રહી હતી. વિશ્વબજારમાં તેજીની પોઝીટીવ અસર રહી હતી અમેરિકામાં ફુગાવાનો દર ઘટીને આવતા ડાઉજોન્સ તથા નાસ્ડેકમાં તોતીંગ ઉછાળો નોંધાતા આજે સવારે એશીયન માર્કેટો પણ તેજીમાં આવી ગયા હતા. ભારતમાં રીટેલ ફુગાવો વધીને આવ્યો હોવા છતાં તેની કોઇ નેગેટીવ અસર માલુમ પડી ન હતી.
વિદેશી નાણા સંસ્થાઓની ધુમ લેવાલી તથા ભારતીય અર્થતંત્રના પોઝીટીવ સંકેતો ઉપરાંત કોર્પોરેટ સીઝનમાં કંપનીઓના પરિણામ અફલાતુન આવવાના આશાવાદ હેઠળ શેરબજાર તેજીમાં ધમધમતુ રહ્યું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વિદેશી ઉપરાંત ભારતીય ફંડો પણ જંગી ખરીદી કરી રહ્યા છે. તેજીના માહોલમાં ઇન્વેસ્ટરોનું જંગી નાણુ ભારતીય ફંડોમાં ઠલવાતું હોવાનું પણ તેજી પાછળનું એક કારણ રહ્યું છે. શેરબજારમાં આજે રિલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ, ટાઇટન, અલ્ટ્રા ટેક સિમેન્ટ, એકસીસ બેંક, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર સહિત મોટા ભાગના શેરો ધુમ લેવાલીથી ઉંચકાયા હતા. પાવરગ્રીડ, એપોલો હોસ્પિટલ, કોલ ઇન્ડીયા જેવા અમુક શેરો નબળા હતા.