પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા સંબંધિત સૂચનાઓ, પરિણામો, પરિપત્રો, શૈક્ષણિક કાર્યક્રમો, ભરતી જાહેરાતો તેમજ વિવિધ પ્રવૃત્તિઓ અંગેની માહિતી ઉપલબ્ધ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેની નવી અને અપડેટેડ અધિકૃત વેબસાઈટ લોન્ચ કરી છે. યુનિવર્સિટીની નવી વેબસાઈટનું સરનામું હવે www.saurashtrauniversity.ac.in જાહેર કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવેથી યુનિવર્સિટીને લગતી તમામ અધિકૃત માહિતી માટે આ નવી વેબસાઈટનો જ ઉપયોગ કરવો રહેશે.
યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે નવી વેબસાઈટ વધુ યૂઝર-ફ્રેન્ડલી, ઝડપી અને સુરક્ષિત બનાવવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, સંલગ્ન કોલેજો, સંશોધકો તેમજ અન્ય તમામ સ્ટેઈક હોલ્ડર્સને જરૂરી માહિતી સરળતાથી અને સમયસર મળી રહે. નવી વેબસાઈટ પર પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા સંબંધિત સૂચનાઓ, પરિણામો, પરિપત્રો, શૈક્ષણિક કાર્યક્રમો, ભરતી જાહેરાતો, સંશોધન માહિતી તેમજ યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓ અંગે અપડેટ માહિતી ઉપલબ્ધ રહેશે.
યુનિવર્સિટી તંત્રએ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકવર્ગ, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને સંલગ્ન કોલેજોને વિનંતી કરી છે કે અગાઉની કોઈ પણ વેબસાઈટ કે લિંક પર નિર્ભર ન રહેતા હવેથી માત્ર www.saurashtrauniversity.ac.in વેબસાઈટ પરથી જ માહિતી મેળવે. આ પગલું ડિજિટલ પારદર્શિતા વધારવા અને માહિતીની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવી વેબસાઈટ શરૂ થવાથી યુનિવર્સિટીની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે અને શૈક્ષણિક તેમજ વહીવટી પ્રક્રિયાઓમાં ઝડપ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.



