યુપીમાં 560 મદરેસા સરકારની ગ્રાન્ટ પર ચાલે છે
નવા મદરેસાને ગ્રાન્ટ આપવાના બદલે જે મદરેસા હાલ ચાલુ છે
તેના શિક્ષણમાં સુધારા પર વધુ ધ્યાન આપીશું : મંત્રી અંસારી
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર પ્રદેશમાં હવેથી કોઇ નવા મદરેસાને યોગી સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં નહીં આવે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્યના લઘુમતી બાબતોના મંત્રી દાનિશ આઝાદ અંસારીએ જણાવ્યું હતું. જોકે જુના મદરેસા છે તેમને સરકાર ગ્રાન્ટ
આપતી રહેશે.
અંસારીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં હવેથી કોઇ નવા મદરેસાને મંજૂરી નહીં આપવામાં આવે. જ્યારે હાલ જે પણ મદરેસા રાજ્યમાં સક્રિય છે અને તેમને સરકાર તરફથી જે પણ ગ્રાંટ આપવામાં આવી રહી છે તેને અટકાવવામાં નહીં આવે. જોકે કોઇ જ નવા મદરેસાને હવેથી સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં નહીં આવે અને તેમનો સમાવેશ યાદીમાં નહીં કરવામાં આવે.
ભાજપ શાસિત રાજ્યોના મદરેસામાં વંદેમાતરમ ફરજિયાત કરાયાના બીજા જ દિવસે યોગી આદિત્યનાથની સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે નવા મદરેસાને સરકાર તરફથી મંજૂરી કેમ નહીં આપવામાં આવે તેનું કારણ પૂછાતા મંત્રી અંસારીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં કુલ 16461 મદરેસા છે તેમાંથી 560 મદરેસા હાલ સરકારની ગ્રાન્ટના આધારે ચાલી રહ્યા છે. અને આ બહુ જ મોટી સંખ્યા છે. હવેથી સરકારનો ધ્યેય મદરેસામાં ક્વોલિટી એજ્યૂકેશન પુરુ પાડવાનો રહેશે. અને એને કારણે જ હવેથી કોઇ નવા મદરેસાનો સમાવેશ નહીં કરવામાં આવે. જોકે સરકારના આ નિર્ણયનું ઉત્તર પ્રદેશ હજ કમિટીના ચેરમેન અને પૂર્વ મંત્રી મોહસિન રઝા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવા મદરેસાઓને યોગી સરકાર તરફથી ગ્રાન્ટ નહીં મળે
