ન્યુ જર્સીમાં જંગલમાં લાગેલી આગને કારણે 3,000 લોકોને ઘર છોડવાની ફરજ પડી, હાઇવે બંધ
ન્યુ જર્સીમાં લાગેલી આગ 8,500એકરમાં ફેલાઈ ગઈ હતી અને 3,000 લોકોને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. સૌથી વ્યસ્ત હાઇવે પૈકીના એક, ગાર્ડન સ્ટેટ પાર્કવેનો એક ભાગ બંધ કરવો પડ્યો હતો અને 25,000 ગ્રાહકોને વીજળીનો પુરવઠો કાપી નાખવો પડ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં અમેરિકાએ લોસ એન્જલસમાં ભયાનક આગ જોઈ હતી.
- Advertisement -
આગના કારણે 34 ચોરસ કિમીથી વધુ જમીન રાખ બની
ન્યૂજર્સીમાં જંગલની આગને કારણે હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ સાથે જ આગના કારણે મુખ્ય હાઈવેના એક ભાગને થોડા સમય માટે બંધ કરવો પડયો હતો. રિપોર્ટ મુજબ, ગ્રીનવુડ ફોરેસ્ટ વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ એરિયામાં લાગેલી આગે 34 ચોરસ કિમીથી વધુ જમીન સળગાવી દીધી છે. ન્યૂજર્સીના સૌથી વ્યસ્ત હાઈવેમાંના એક ગાર્ડન સ્ટેટ પાર્કવેને મંગળવારે થોડા સમય માટે બાર્નગટ અને લેસી ટાઉનશિપ વચ્ચે બંધ કરવામાં આવ્યો હતો. બુધવારે સવારે તેને ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ન્યૂજર્સી ફોરેસ્ટ ઓફિસે જણાવ્યું કે, 1300થી વધુ મકાનોને ખાલી કરવાની ફરજ પડી હતી. લગભગ 3000 જેટલા નિવાસીઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. તેમને માટે બે હાઈસ્કૂલમાં શરણાર્થી કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા. પાવર કંપનીએ લગભગ 25000 મકાનોની ઈલેક્ટ્રિસિટી કાપી નાખી હતી.