“બેટી બચાવો-બેટી પઢાવો” યોજના દીકરીઓના જન્મને વધાવવા તેમજ તેના શિક્ષણને સુનિશ્ચિત કરતુ રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મહિલા અને બાળ વિકાસ અધિકારી અવણીબેન દવેએ ગોંડલના મોટા દડવા ગામ ખાતે “બેટી બચાવો-બેટી પઢાવો” યોજનાની લાભાર્થી દીકરીના ઘરે જઈને તેને “દીકરી વધામણાં કીટ” અર્પણ કરી હતી. તેમજ દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. આ તકે પ્રાંત અધિકારી રાજેશ આલ, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયા સહિતના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
“બેટી બચાવો બેટી પઢાવો” યોજના માટે મહિલા અને બાળ વિકાસ વિભાગને નોડલ એજન્સી નિમવામાં આવી છે. તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને શિક્ષણ વિભાગ તેની સાથે પણ સક્રિય રીતે જોડાશે. આ યોજનાનું અમલીકરણ રાજ્ય કક્ષાએ જેન્ડર રિસોર્સ સેન્ટર/રાજ્ય મહિલા સંશાધન (State Resource Center for Women ) તેમજ જીલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં કરવામાં આવે છે.
“બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત કન્યાના જન્મને પ્રોત્સાહન આપવા અને કન્યાના શિક્ષણનું મહત્વ સમજાવીને તેને જરૂરી સહાય પુરી પાડવામાં આવે છે. પંચાયતી રાજ સંસ્થાઓ, શહેરી સ્થાનિક માળખાઓ, ગ્રામ્ય સ્તરના કાર્યકરો, સ્થાનિક લોકો, મહિલા જૂથો વગેરેને તાલીમ આપીને સામાજિક પરિવર્તન માટેના પ્રેરણાદાયી કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
- Advertisement -
“બેટી બચાવો, બેટી પઢાવો” યોજનાનો આશય જિલ્લાઓની તમામ શાળાઓમાં દિકરીઓના પોષણસ્તરમાં સુઘારો કરવાનો, ઓછા વજનવાળી તેમજ પાંચ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓમાં કૂપોષણનો દર ઘટાડવાનો, શાળાઓમાં બાળ સુરક્ષા કાર્ડનો ઉપયોગ કરીને કન્યાઓની હાજરી અને સારી સંભાળ સુનિશ્ચિત કરવાનો છે. Protection of Children from Sexual Offences Act, 2012 (POSCSO અધિનયમ, 2012)ના અમલીકરણ થકી દીકરીઓને જાતીય ગુનાઓ સામે રક્ષણાત્મક વાતાવરણ પુરૂં પાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રતિબધ્ધ છે. કન્યા જન્મદર સુધારવા તેમજ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પંચાયત પદાઘિકારીઓ, સંસ્થાઓ તેમજ સમુદાયના પ્રતિનિધિઓ સતત પ્રયત્નશીલ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ધોરણે ચલાવવામાં આવતી આ યોજનામાં 60% ફાળો કેન્દ્ર સરકારનું અને 40% ફાળો રાજ્ય સરકારનો હોય છે.