ચીફ જસ્ટીસ તરીકે ચાર્જ સંભાળતા જ જસ્ટીસ યુ.યુ.લલીત પહેલા દિવસથી જ એકશનમાં જોવા મળ્યા હતા. પહેલા દિવસે જ તેમણે જુદી જુદી 900 જેટલી અરજીઓનું લિસ્ટ બનાવ્યું હતું. તેમણે 15 બેન્ચમાં દરેકને 60-60 કેસ સોંપ્યા છે. મતલબ, 900 કેસની સુનાવણી થશે અને આ અરજીઓના નિકાલ માટે સવારે 10.30 થી સાંજે 4 વાગ્યા સુધી અધિકતમ 270 મીનીટનો અધિકૃત વ્યાવસાયિક સમય મળશે.
આ અરજીઓમાં કર્ણાટકનો હિજાબ વિવાદ કેરળના પત્રકાર સિદીકી કપ્પનના જામીન, ગૌતમ નવલખા સહિત અનેક કેસો સામેલ છે. ઉલ્લેખનીય છે કે જસ્ટીસ યુ.યુ.લલીતે શનિવારે દેશના 49માં ચીફ જસ્ટીસ તરીકે શપથ લીધા હતા અને આજે તેમણે પ્રથમ દિવસે જ અસરકારક શરૂઆત કરી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે નવા ચીફ જસ્ટીસ બનેલા યુ.યુ.લલીત અગાઉ સુપ્રીમ કોર્ટના અનેક ઐતિહાસિક ફેસલાનો ભાગ રહ્યા છે. ત્રણ તલાકને ગેરબંધારણીય કરાવનારી પાંચ સભ્યોની સંવિધાન પીઠના પણ તેઓ સભ્ય હતા. જસ્ટીસ લલિતની અધ્યક્ષતાવાળી એક પીઠે ત્રાવણકોરના તત્કાલીન શાહી પરિવારને કેરળના ઐતિહાસિક પદ્મનાભ મંદિરની વ્યવસ્થા કરવાનો અધિકાર આપ્યો હતો.
આ મંદિર ભારતના સૌથી અમીર મંદિરો પૈકીનું એક છે.જસ્ટીસ લલિતની પીઠે જ ‘સ્કીન ટુ સ્કીન ટચ’ (ચામડીનો સ્પર્શ) પર ફેસલો આવ્યો હતો કે કોઈ બાળકના યૌન અંગોને સ્પર્શવા કે ‘યૌન’ ઈરાદાથી શારીરિક સંપર્કનું કૃત્ય પોકસો જોગવાઈ મુજબ ‘યૌન હુમલો’ જ ગણાશે.