ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના અંતર્ગત રાજ્યમાં 5 હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોના વિભાજન અંગેની તંત્ર દ્વારા પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં 50 થી વધુ નવી ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના અંતર્ગત 5 હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોના વિભાજન કરીને નવી ગ્રામ પંચાયતોની રચના કરવા માટેની પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે.
ગ્રામ પંચાયતના વિભાજન માટે રાજ્યની અંદાજિત 55 જેટલી ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિભાગને અરજી કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા રાજ્યમાં ઓબીસી અનામતની નવી ટકાવારી અમલમાં આવે તે પૂર્વે આ ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. હાલના સંજોગોમાં ગુજરાતમાં 14 હજાર 455 ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે.