ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટ એઈમ્સમાં અત્યાધુનિક નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યું છે. અને વિશ્વ કક્ષાની નવજાત શિશુઓને સંભાળ પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સુવિધાથી હવે રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છના રહેવાસીઓ માટે અકાળ અને પૂર્ણ-અવધિના નવજાત શિશુઓની ગંભીર પરિસ્થિતિઓમાં સારવાર કરવી ખૂબ સરળ બનશે. આ સુવિધા શરૂ થતાં સૌરાષ્ટ્ર અને કચ્છના નવજાત શિશુઓને હવે ઘરઆંગણે જ આધુનિક સારવાર મળી રહેશે.
એઈમ્સ રાજકોટનાં (NICU)માં નવજાત વેન્ટિલેટર, કમળાની સારવાર માટે ફોટોથેરાપી યુનિટ, ઓછા વજનવાળા બાળકો માટે કાંગારૂ મધર કેર સેટઅપ સહિતની સારવાર કરી શકાય છે તેમજ NICU અદ્યતન મોનિટરિંગ સિસ્ટમ્સથી પણ સજ્જ છે. આ સેવાઓ સામાન્ય જનતા માટે ઉપલબ્ધ છે. હાલ એઇમ્સમાં વિશ્વ સ્તરીય નવજાત શિશુ સંભાળ સુલભ બનાવવા આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, એઇમ્સની આ પ્રગતિ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રો. જી.ડી. પુરી અને ડેપ્યુટી ડિરેક્ટર (વહીવટ) લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિંહના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શક્ય બની છે. તેમનો સતત સહયોગ, વ્યૂહાત્મક આયોજન અને ભારત તથા વિદેશમાંથી અત્યાધુનિક સાધનોની ખરીદીને કારણે એઈમ્સ રાજકોટમાં નવજાત શિશુઓની સંભાળ આંતરરાષ્ટ્રીય ધોરણો સુધી પહોંચી છે. પ્રો. પુરીએ જણાવ્યું કે, એઈમ્સ રાજકોટ જીવનના પહેલા શ્વાસથી આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ પૂરી પાડી રહી છે.
- Advertisement -
એઇમ્સમાં NICU ઉપરાંત નવજાત બાળકોને વધારેમાં વધારે સારી સારવાર આપવા, એઈમ્સ જોધપુરમાંથી તાલીમ પામેલા ઉખ નિયોનેટોલોજિસ્ટ ડો. વિમેશ પરમારની તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે. ગંભીર નવજાત શિશુઓના સંચાલનમાં તેમની કુશળતાએ NICUની ગુણવત્તા અને વિશ્વાસમાં વધુ વધારો કર્યો છે તેમજ એઈમ્સ રાજકોટની અત્યંત પ્રશિક્ષિત નર્સિંગ ટીમ, જેણે દેશના અન્ય એઈમ્સમાંથી વિશેષ તાલીમ મેળવી છે, તેમણે 24 કલાક સમર્પિત સેવા આપી રહ્યા છે.
એઈમ્સના જ એક ફેકલ્ટી દંપતીને 7.5 મહિનામાં ઇમરજન્સી સિઝેરિયન કરાવવું પડ્યું હતું
NICUની ક્ષમતાનો એક પ્રેરણાદાયક દાખલો તાજેતરમાં સામે આવ્યો હતો. એઈમ્સ રાજકોટના જ એક ફેકલ્ટી દંપતીને ગર્ભાવસ્થાના માત્ર 7.5 મહિનામાં ઇમરજન્સી સિઝેરિયન કરાવવું પડ્યું હતું. તેમના જોડિયા બાળકોનું વજન ઓછું હતું અને ફેફસાં અવિકસિત હતા, જેને કારણે તેમને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ અને વ્યાપક તબીબી વ્યવસ્થાપનની જરૂર પડી હતી. બે મહિનાની સઘન સંભાળ પછી, જેમાં રેસ્પિરેટરી સપોર્ટ, તાપમાન નિયંત્રણ, ચેપ નિયંત્રણ અને પોષણ સહાયનો સમાવેશ થતો હતો. બંને બાળકો હવે સ્વસ્થ છે, તેમનું વજન સતત વધી રહ્યું છે અને ટૂંક સમયમાં રજા આપવામાં આવનાર છે.