ઓરિસ્સાથી ટ્રેનમાં અમદાવાદ અને અમદાવાદથી બસમાં રાજકોટ પહોંચ્યો હતો
પેડલર માત્ર ખેપ મારતો હોવાની શંકાએ એસઓજીએ તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે બાતમી આધારે જ્યુબિલી ચોક રોડ નજીકથી પોલીસે નેહરુનગરના શખ્સને 11.950 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલો શખ્સ અન્ય એક સાગરીત સાથે ઓરિસ્સા ગયો હતો ત્યાંથી ટ્રેન મારફત અમદાવાદ અને અમદાવાદથી બસ મારફત રાજકોટ પહોંચ્યો હતો ત્યાંથી માદક પદાર્થનો જથ્થો લઇને રાજકોટ આવતા જ દબોચી લીધો હતો જો કે નાના મવા રહેતો શખ્સ નાસી જતાં તેની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટમાં say no to drugs મિશન અંતર્ગત માદક પદાર્થોના કેસો કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અને એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ એસ એમ જાડેજા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન જ્યુબિલી ચોક નજીક ગાર્ડન પાસે એક શખ્સ ગાંજાના જથ્થા સાથે ઊભો હોવાની ઉપેન્દ્રસિહ ઝાલા અને વિરદેવસિહ જાડેજાને મળેલી માહિતી આધારે એસઓજીના પીએસઆઇ એન.વી.હરિયાણી સહિતની ટીમ દોડી ગઇ હતી.
પોલીસે બે થેલા સાથે ઊભેલા નેહરુનગરના ચેતન ભરત સમેચા ઉ.21ને સકંજામાં લઈ થેલાની જડતી લેતા તેમાંથી રૂ.1,19,500ની કિંમતનો 11.950 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, મોબાઇલ અને રોકડા રૂ.1700 સહિત કુલ રૂ.1,26,200ના મુદ્દામાલ સાથે ચેતન સમેચાની ધરપકડ કરી હતી ચેતન પાસેથી ઓરિસ્સા નોરલા રોડથી અમદાવાદની ટ્રેનની બે ટિકિટ મળી આવી હતી. આ અંગે પૂછતાં ચેતને કબૂલાત આપી હતી કે, પોતે તથા નાનામવા વિસ્તારમાં રહેતો દશરથ રમેશ સોલંકી ઓરિસ્સા ગયા હતા અને ત્યાંથી ગાંજાનો જથ્થો ખરીદ કરીને આવ્યા હતા તેમજ ચેતન અગાઉ પણ ઓરિસ્સાથી 6 કિલો ગાંજો લઇ આવ્યો હતો તે ગાંજાનું રાજકોટમાં જ વેચાણ કરી નાખ્યું હતું પોલીસે નાના મવા સર્કલ પાસે આવેલ આવાસ ક્વાટરમાં રહેતા દશરથની શોધખોળ શરૂ કરી હતી.



