ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને બીજા ક્રમે ધકેલ્યો: છેલ્લા આઠ મહિનાથી નીરજે બીજા ક્રમે રહીને સંતોષ માનવો પડતો હતો
નવીદિલ્હી, તા.23
ટૉક્યો ઑલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડા દુનિયાનો નંબર વન જેવલિન થ્રૉઅર (ભાલાફેંક) બની ગયો છે. તે દેશના પહેલો એથ્લીટ છે જેણે આ ઉપલબ્ધી હાંસલ કરી છે. વર્લ્ડ એથ્લેટિક્સ ફેડરેશને આ રેન્કીંગ જાહેર કર્યું છે. નીરજ 1455 પોઈન્ટ સાથે નંબર વન બન્યો છે. તેણે વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને 22 પોઈન્ટથી પાછળ છોડ્યો છે.
રેન્કીંગમાં પાડોશી દેશ પાકિસ્તાનનો થ્રોઅર અરશદ નદીમ પાંચમા ક્રમે રહ્યો છે. નદીમે કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જેમાં નીરજ ચોપડા ઈજાને કારણે રમી શક્યો ન્હોતો. બીજી બાજુ ભારતનો રોહિત યાદવ 15મા અને ડી.પી.મનુ 17મા સ્થાને ટૉપ-20માં સામેલ થયા છે.
- Advertisement -
નીરજ 30 ઑગસ્ટ-2022થી વર્લ્ડ નંબર ટુ ઉપર હતો. પીટર્સ અત્યાર સુધી નંબર વન ભાલા ફેંક ખેલાડી તરીકે હતો. બીજી બાજુ આ મહિને પાંચ મેએ દોહામાં રમાયેલી ડાયમંડ લીગમાં નીરજે 88.67 મીટર દૂર ભાલો ફેંકી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે વર્લ્ડ નંબર વન એન્ડરસન પીટર્સ 85.88 મીટર ભાલો ફેંકીને ત્રીજા ક્રમે રહ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકનો સિલ્વર મેડાલિસ્ટ જાકૂબ બાદલેચ બીજા ક્રમે રહ્યો હતો.
નીરજ ચોપડા એશિયન રમતોમાં પણ અત્યારે ચેમ્પિયન છે. તેણે ઈન્ડોનેશિયાના જાકાર્તામાં આયોજિત 2018 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે આ વર્ષે 23 સપ્ટેમ્બરથી આઠ ઑક્ટોબર સુધી ચીનના હાંગઝોઉમાં રમાનારી એશિયન ગેમ્સમાં પોતાના ખીતાબને ડિફેન્ડ કરવા માંગશે. નીરજે પાછલા વર્ષે યુએસએના યૂઝીન વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.