દ્વારકાધીશ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી આહીર સમાજમાં આક્રોશ
નીલકંઠ સ્વામીએ સનાતન ધર્મને ઠેસ પહોંચે એવી વાત કરી
આહીર સમાજનું અલ્ટિમેટમ, દ્વારકામાં સભા કરવાની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને આહીર સમાજમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે, જેને લઈ પુણા ગામ ખાતે આહીર સમાજના આગેવાનો દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે આહીર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણીએ નીલકંઠ સ્વામીની વિચારધારાને અધાર્મિક અને રાક્ષસી ગણાવી હતી, સાથે દ્વારકામાં આવી સ્વામી માફી માગે, નહીં તો દ્વારકામાં સભા કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથ શિક્ષાપત્રી હાથમાં લઈને આજે આહીર સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આહીર સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોતાના ધર્મમાં આચરણ કઈ રીતે કરવું તે શિક્ષાપત્રીમાં લખવામાં આવ્યું છે, જે સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગીતા સમાન છે. આ શિક્ષાપત્રીમાં ખૂબ સ્પષ્ટ વ્યાખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્ર્લોક નંબર 39થી શ્ર્લોક નંબર 64, શ્ર્લોક નંબર 101 અને શ્ર્લોક નંબર 102માં ભગવાન કૃષ્ણ સર્વોપરી છે, જગતના બાપ અને જગતના ઈશ્ર્વર શ્રીકૃષ્ણ ભગવાન છે, તે ઉલ્લેખ છે. ત્યારે નીલકંઠ સ્વામીએ સનાતન ધર્મને ઠેસ પહોંચે તેવી વાત કરી છે.
અખિલ આહીર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણી આર.એચ.હડિયાએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મ કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધા છે. કોઈ સ્વામી પોતાના કથાના મંચ પરથી એવું હલકું વાણી વિલાસ કરે છે, જેના વિચારધારામાં આસુરી વૃત્તિ છે. વેડરોડના નીલકંઠ ચરણ સ્વામીને હું કહેવા માંગુ છું કે, તમારી પ્રવૃત્તિ અધાર્મિક છે અને વિચારધારા રાક્ષસી છે. ભગવાન કૃષ્ણ જે જગદીશ સ્વરૂપ છે, તેમની સામે તમે એમને નીચા બનાવવાની કોશિશ વાણી વિલાસથી કરો છો, તે કોઈ પણ રીતે સહન કરવામાં આવશે નહીં. અમારું અલ્ટીમેટમ છે કે, જગતપતિ દ્વારકાધીશ ત્યાં બેઠા છે, આવા સાધુઓને રોકવા ખૂબ જ જરૂરી છે. માટે અમે એક સભાનું પણ દ્વારકા ખાતે આયોજન કરીશું.
- Advertisement -
‘સ્વામીએ દ્વારકા જઈને માફી માગવી જ પડશે’: જયરામભાઈ
આહીર સમાજના આગેવાન જયરામે જણાવ્યું હતું કે, ઘણા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ બની બેઠેલા છે, અવારનવાર ભગવાન વિશે ટિપ્પણી કરે છે. શ્રીકૃષ્ણ આખા જગતના ગુરુ છે, જે સત્ય છે અને તે સ્વીકારવો જ પડે. કોઈની લીટી નાની કરીને પોતાની લીટી મોટી કરનારને પરિણામ ભોગવવું પડશે. તેમણે દ્વારકા જઈને માફી માંગવી જ પડશે.
આ એસેમ્બલ કંપની હરામનું ખાઈ-ખાઈ બફાટ કરે છે, પૈસા આપવાનું બંધ કરો: મણીધરબાપુ
દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને હવે મોગલ ધામ કબરાઉના ગાદીપતિ મણીધરબાપુએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આમ હવે આ મુદ્દાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. મણીધરબાપુએ શ્રીકૃષ્ણ પરની ટીપ્પણીને લઈને કહ્યું કે, આ એસેમ્બલ કંપની હરામનું ખાય ખાય બફાટ કરે છે, પૈસા આપવાનું બંધ કરો. મણીધરબાપુએ જણાવ્યું કે, હું મોગલધામ કબરાઉથી ચારણઋષિ કહું છું કે, સનાતન ધર્મને જે ધક્કો લગાવ્યો છે આને હું આતંકવાદી કહું છું કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં. આને હું કંપની કહું છું. આ એસેમ્બલ કંપની હરામનું ખાય ખાય જેમ આવે એમ બફાટ કરે છે. લખવા મંડ્યા છે શું એના ઘરનો ધંધો છે? કોઈ કાયદો છે?. આને કોઈ કહેવા વાળું નથી ?