મનપા દ્વારા લગાવેલા બોર્ડમાં કોટેચા ચોક તરફ જવાનો રસ્તો હનુમાન મઢી તરફ દર્શાવી દીધો અને હનુમાન મઢી તરફ જવાનો રસ્તો કોટેચા ચોક તરફ દર્શાવી દીધો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના નિર્મલા રોડ પર આવેલા ફાયર સ્ટેશન પાસે મનપા તંત્ર મુસાફરોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. અહીં કોર્પોરેશન દ્વારા ખોટું એડ્રેસ બોર્ડ લગાવવામાં આવ્યું છે જે વાંચીને લોકો અવળા રસ્તે જઈ રહ્યા છે અને માર્ગ ભૂલી રહ્યા છે. શહેરના રસ્તાઓ જાણતા હોય તેવા રાહદારીઓ માટે આ એડ્રેસ બોર્ડ કોઈ મોટી સમસ્યા ઉભું કરતું નથી પરંતુ આ શહેરમાં આવેલા અજાણ્યા રાહદારી માટે આ એડ્રેસ બોર્ડ ગેરમાર્ગે દોરનારું સાબિત થઈ રહ્યું છે.
- Advertisement -
રાજકોટ મ્યુનિસિપલ તંત્રમાં કેટલી બેદરકારી અને લાલીયાવાડી ચાલી રહી છે તેનું જ્વલંત ઉદાહરણ શહેરના નિર્મલા રોડ પર આવેલા ફાયર સ્ટેશન પાસે ઉપલબ્ધ છે. અહીં વોર્ડ નં. 10ના નામે ખોટા એડ્રેસ દર્શાવતું બોર્ડ કેટલાય સમયથી ઉભું છે અને ગેરમાર્ગે દોરનારું સાબિત થઈ રહ્યું છે. તપાસ કરતા જાણવા મળે છે કે, નિર્મલા રોડ પર આવેલા ફાયર સ્ટેશનની બાજુના રસ્તા પર કોર્નરમાં આ એડ્રેસ બોર્ડ ઉભું કરવાની જગ્યાએ રસ્તાની સામેની તરફના કોર્નર પર આ એડ્રેસ બોર્ડ ઉભું કરી દેવામાં આવ્યું છે. હકીકતમાં આ એડ્રેસ બોર્ડ ફાયર સ્ટેશનની સામેની નહીં પરંતુ બાજુમાં કોર્નર પર ઉભું કરવામાં આવતું હોતું તો રાહદારીઓને ગેરમાર્ગે દોરનારું સાબિત ન થતું.
મનપા તંત્ર દ્વારા જાણ્યે-અજાણ્યે કરવામાં આવેલી આ ભૂલ ક્યારે સુધારવામાં આવશે એ જોવું રહ્યું પરંતુ આજ દિન સુધી નિર્મલા રોડ પર ફાયર સ્ટેશન પાસે મનપા દ્વારા ગેરમાર્ગે દોરનારું એડ્રેસ બોર્ડ કેમ કોઈ અધિકારી કે પદાધિકારીના ધ્યાને ન આવ્યું કે પછી કેમ તેને બદલવામાં ન આવ્યું એ તપાસનો વિષય છે. અલબત્ત આ પાછળ કોણ જવાબદાર છે અને તેમની સામે શું પગલાં લેવાશે એ પણ જોવા જેવી બાબત હશે.